<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ડ્રેગનનો બેવડો હુમલો: ચીને તાઇવાનને લશ્કરી કવાયતથી ઘેર્યું, ૨૪ કલાકમાં ૨૦ લાખથી વધુ સાયબર એટેક કરી મચાવ્યો હાહાકાર

તાઇવાનની સરહદે ચીની યુદ્ધવિમાનોનું શક્તિપ્રદર્શન; આંતરિક ભ્રષ્ટાચાર અને આર્થિક મંદી પરથી ધ્યાન હટાવવા જિનપિંગ સરકારનો ખતરનાક ખેલ

તાઈપેઈ : એશિયા-પેસિફિક ક્ષેત્રમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. તાઇવાનના રાષ્ટ્રીય સુરક્ષા બ્યુરો (NSB) એ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ચીને માત્ર જમીન અને આકાશમાં જ નહીં, પરંતુ ડિજિટલ દુનિયામાં પણ તાઇવાન વિરુદ્ધ જંગ છેડી દીધો છે. ચીની લશ્કરી કવાયતના પ્રથમ દિવસે તાઇવાનના સરકારી નેટવર્ક્સ પર અંદાજે ૨.૦૮ મિલિયન સાયબર હુમલા થયા હતા, જે બીજા દિવસે વધીને ૨.૦૯ મિલિયન સુધી પહોંચી ગયા હતા.

તાઇવાનની સુરક્ષા એજન્સીઓના મતે, ચીન આ લશ્કરી કવાયત દ્વારા ત્રણ નિશાન સાધવા માંગે છે. પ્રથમ, તાઇવાનને મળતા આંતરરાષ્ટ્રીય સમર્થનને ડરાવવું. બીજું, ચીન પોતાની આંતરિક સમસ્યાઓ અને આર્થિક સંકટ પરથી જનતાનું ધ્યાન હટાવવા માંગે છે. અને ત્રીજું, પોતાની સેનામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વચ્ચે પણ તે હજુ શક્તિશાળી છે તેવો ડોળ કરવો. ચીની સેનાએ આડકતરી રીતે તાઇવાનની સાર્વભૌમત્વને પડકાર ફેંક્યો છે.

ગત ૩૧મી ડિસેમ્બરથી શરૂ થયેલી આ હિલચાલમાં ૪૮ કલાકની અંદર ચીનના ૨૦૭ લશ્કરી વિમાનોએ તાઇવાનની આસપાસ ઉડાન ભરીને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. ચીન હંમેશાથી તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવે છે, જ્યારે તાઇવાનની જનતા અને સરકાર મક્કમપણે પોતાની આઝાદી અને લોકશાહીના પક્ષમાં ઉભા છે. આ સંઘર્ષ હવે સાયબર વોરફેર અને મિસાઇલ કવાયત દ્વારા ચરમસીમાએ પહોંચ્યો છે, જેણે વૈશ્વિક સ્તરે સુરક્ષા ચિંતાઓમાં વધારો કર્યો છે.

(7:13 PM IST)