News of Wednesday, 7th January 2026
મહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી: સત્તા માટે ભાજપે કોંગ્રેસ અને AIMIM સાથે હાથ મિલાવ્યા:સીએમ ફડણવીસ ભડક્યા :આપ્યા ગઠબંધન તોડવાના આદેશ
અંબરનાથ અને અકોટ નગર પરિષદમાં ગઠબંધનથી ખળભળાટ; ફડણવીસે સ્થાનિક નેતાઓને ખખડાવ્યા, શિંદે જૂથની શિવસેનાને રોકવા માટે ભાજપે રમી હતી અજબ રમત

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક આશ્ચર્યજનક ઘટનાક્રમ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના અંબરનાથ અને અકોટ નગર પરિષદમાં સત્તા કબજે કરવા માટે ભાજપની સ્થાનિક શાખાઓએ પોતાના કટ્ટર વિરોધી એવા કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે હાથ મિલાવી લીધા હતા. જોકે, આ સમાચાર વાયુવેગે ફેલાતા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લાલ આંખ કરી છે અને આ "અપવિત્ર ગઠબંધન" ને તાત્કાલિક અસરથી તોડી નાખવાનો આદેશ આપ્યો છે.
અંબરનાથ નગર પરિષદમાં એકનાથ શિંદેની શિવસેનાને સત્તાથી દૂર રાખવા માટે ભાજપના સ્થાનિક એકમે કોંગ્રેસ અને અજિત પવારની NCP સાથે ગઠબંધન કરીને 'અંબરનાથ વિકાસ આઘાડી' બનાવી હતી. તેવી જ રીતે, અકોલા જિલ્લાની અકોટ નગર પરિષદમાં ભાજપે AIMIM સાથે મળીને 'અકોટ વિકાસ મંચ' ની રચના કરી હતી. આ ઘટનાથી રાજ્યના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે અને વિપક્ષોએ ભાજપના "કોંગ્રેસ મુક્ત ભારત" ના નારા પર આકરા પ્રહારો કર્યા છે.
મુખ્યમંત્રી ફડણવીસે આ મામલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "કોંગ્રેસ અને AIMIM સાથેનું ગઠબંધન કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ ગંભીર શિસ્તભંગ છે અને જે પણ સ્થાનિક નેતાઓએ આ નિર્ણય લીધો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે." આ કડક સૂચના બાદ અંબરનાથમાં ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન ગણતરીના કલાકોમાં જ તૂટી ગયું છે. શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે આ મામલે ભાજપ પર કટાક્ષ કરતા તેને "બે મોઢાવાળો અળસિયો" ગણાવ્યો છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
