News of Wednesday, 7th January 2026
બિહારના ખેડૂતના દીકરાનો 'એપલ' જેવો મીઠો વિજય: ૧૨ વર્ષે IIT અને ૨૪ વર્ષે PhD કરીને સત્યમે દુનિયાને અચંબિત કરી દીધી
માત્ર ૧૪ વર્ષે IIT કાનપુરમાં પ્રવેશ મેળવી રચ્યો હતો ઇતિહાસ; હવે અમેરિકામાં Apple ની Siri ટીમમાં 'મશીન લર્નિંગ રિસર્ચર' તરીકે ગજવશે નામ

ભોજપુર : કહેવાય છે કે 'પ્રતિભા કોઈ સંસાધનોની મોહતાજ હોતી નથી', અને આ વાતને બિહારના ભોજપુર જિલ્લાના એક નાના એવા બાખોરાપુર ગામના સત્યમ કુમારે વૈશ્વિક સ્તરે સાચી સાબિત કરી બતાવી છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા સત્યમની સફર આજે બિહારના ખેતરોથી શરૂ થઈને કેલિફોર્નિયાની અત્યાધુનિક ટેક લેબ્સ સુધી પહોંચી છે. જે ઉંમરે બાળકો રમકડાંથી રમતા હોય, તે ઉંમરે સત્યમે ગણિતના અઘરા સમીકરણો ઉકેલીને ભારતનો સૌથી નાની વયનો IITian બનવાનું બહુમાન મેળવ્યું હતું.
સત્યમની આ અસાધારણ યાત્રા વર્ષ ૨૦૧૧માં શરૂ થઈ હતી, જ્યારે માત્ર ૧૨ વર્ષની કુમળી વયે તેણે IIT-JEE જેવી અઘરી પરીક્ષા પાસ કરીને દેશભરની હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, આટલેથી ન અટકતા તેણે ફરીથી મહેનત કરી અને ૧૩ વર્ષની ઉંમરે AIR ૬૭૯ મેળવ્યો. પરિણામે, ૧૪ વર્ષની ઉંમરે તેને IIT કાનપુરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળ્યો. સત્યમે ત્યાંથી B.Tech અને M.Tech ની ડ્યુઅલ ડિગ્રી પૂર્ણ કરી અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મેળવી.
આશ્ચર્યની વાત એ છે કે, જે ઉંમરે યુવાનો પોતાની કારકિર્દી શરૂ કરવાની મથામણમાં હોય છે, તે ૨૪ વર્ષની વયે સત્યમે અમેરિકામાં 'ડોક્ટર' (Ph.D.) ની પદવી હાંસલ કરી લીધી હતી. તેની આ અદભૂત પ્રતિભા જોઈને વિશ્વની દિગ્ગજ ટેક કંપની Apple એ તેને પોતાની મશીન લર્નિંગ રિસર્ચ ટીમમાં સામેલ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે સત્યમનો નાનો ભાઈ શિવમ પણ ૧૫ વર્ષે IIT પાસ કરીને અત્યારે સેમસંગ જેવી મોટી કંપનીમાં કાર્યરત છે. સત્યમ કુમારની આ સફળતા આજે લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ અને પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
