News of Wednesday, 7th January 2026
અમેરિકા પાસે અઢળક સંપત્તિ અને સૌથી મોટું રેલ નેટવર્ક, છતાં ત્યાં કેમ નથી દોડતી 'બુલેટ ટ્રેન'? જાણો ચોંકાવનારા કારણો
ભારતમાં ૨૦૨૭થી બુલેટ ટ્રેન દોડવાની તૈયારી, પણ સુપરપાવર અમેરિકા હજુ પાછળ; કાર અને વિમાન પ્રત્યેનો અતિશય મોહ હાઈ-સ્પીડ રેલ માટે બન્યો અવરોધ

વોશિંગ્ટન : વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને આધુનિક ટેકનોલોજીનો પર્યાય ગણાતું અમેરિકા આજે પણ હાઈ-સ્પીડ રેલ એટલે કે 'બુલેટ ટ્રેન'ના મામલે ચીન, જાપાન અને હવે ભારત કરતા પણ પાછળ દેખાઈ રહ્યું છે. જ્યારે ભારતમાં ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ થી મુંબઈ-અમદાવાદ વચ્ચે ૩૨૦ કિમી/કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ૨.૫૦ લાખ કિમી લાંબુ રેલ નેટવર્ક ધરાવતા અમેરિકામાં હજુ સુધી આ સુવિધા કેમ નથી?
અમેરિકા પાસે ૧૩ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી છે, છતાં ત્યાંની સૌથી ઝડપી ટ્રેન 'એમટ્રેક એસેલા' (Acela) માત્ર ૨૫૭ કિમી/કલાકની ઝડપે દોડે છે, જે વૈશ્વિક બુલેટ ટ્રેનના ધોરણો કરતા ઓછી છે. નિષ્ણાતોના મતે, અમેરિકા એક 'કાર-ઓબ્સેસ્ડ' (કાર પ્રેમી) દેશ છે. ત્યાંની સરેરાશ વસ્તી લાંબા અંતર માટે ટ્રેન કરતા પોતાની કાર અથવા પ્લેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. અમેરિકામાં ૫,૦૦૦ થી વધુ એરપોર્ટ અને ૭૧ ઇન્ટરસ્ટેટ હાઇવે છે, જેણે ટ્રેનની જરૂરિયાતને ગૌણ બનાવી દીધી છે.
બીજું મોટું કારણ રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને જમીન સંપાદનની જટિલતા છે. ૨૦૦૮માં સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રસ્તાવ મુકાયો હતો, પરંતુ તે પ્રોજેક્ટ અબજો ડોલરના ખર્ચ અને સ્થાનિક વિરોધને કારણે લટકી પડ્યો છે. અમેરિકામાં મિલકત ધારકો નથી ઈચ્છતા કે તેમના ઘરની નજીકથી અતિ ઝડપી ટ્રેન પસાર થાય. આમ, જે દેશ આખી દુનિયાને ટેકનોલોજી વેચે છે, તે જ દેશ આજે પરિવહનની આ ક્રાંતિમાં ઘણો પાછળ રહી ગયો છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
