<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

વેનેઝુએલા પછી હવે ટ્રમ્પના નિશાના પર 'ગ્રીનલેન્ડ': શું બરફથી છવાયેલો આ ટાપુ અમેરિકા સામે કરી દેશે શરણાગતિ?

ખરીદી, લશ્કરી કાર્યવાહી કે આંતરિક બળવો? ગ્રીનલેન્ડ કબજે કરવા ટ્રમ્પની 'થ્રી-સ્ટેપ' ગેમ પ્લાન તૈયાર; કુદરતી સંસાધનો અને રશિયા-ચીનને ઘેરવાની મોટી વ્યૂહરચના

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક અંદાજથી આખી દુનિયા પરિચિત છે. વેનેઝુએલામાં સત્તા પરિવર્તન કર્યા બાદ હવે ટ્રમ્પ વહીવટીતંત્રની નજર ઉત્તર ધ્રુવના વ્યૂહાત્મક ટાપુ ગ્રીનલેન્ડ પર અટકી છે. વ્હાઇટ હાઉસના નિવેદનો અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની હિલચાલ સૂચવે છે કે અમેરિકા કોઈપણ ભોગે ગ્રીનલેન્ડને પોતાના નકશામાં સામેલ કરવા માંગે છે. પ્રશ્ન એ નથી કે ટ્રમ્પ આવું કરશે કે નહીં, પણ પ્રશ્ન એ છે કે શું ગ્રીનલેન્ડ લડ્યા વગર જ શરણાગતિ સ્વીકારી લેશે?
ગ્રીનલેન્ડ કેમ ટ્રમ્પ માટે 'સોનાની ખાણ' છે? તેના મુખ્ય ત્રણ કારણો છે. પ્રથમ, તેનું વ્યૂહાત્મક સ્થાન જે રશિયા અને ચીન પર નજર રાખવા માટે સર્વશ્રેષ્ઠ છે. બીજું, અહીં તેલ, ગેસ અને 'રેર અર્થ મેટલ્સ' (દુર્લભ ધાતુઓ) નો અખૂટ ભંડાર છે, જેના પર અત્યારે ચીનનું વર્ચસ્વ છે. ત્રીજું, ક્લાયમેટ ચેન્જને કારણે બરફ પીગળતા અહીં નવા શિપિંગ રૂટ ખુલવાની શક્યતા છે. ટ્રમ્પે તો તેમના ખાસ સાથી જે.ડી. વાન્સને નિરીક્ષણ માટે મોકલીને ગ્રીનલેન્ડના સંસાધનોનો સર્વે પણ કરાવી લીધો છે.
ટ્રમ્પ પાસે અત્યારે ત્રણ મુખ્ય વિકલ્પો છે. પહેલો વિકલ્પ 'ડીલ' કરવાનો છે, એટલે કે ડેનમાર્ક પાસેથી આ ટાપુ ખરીદી લેવો. બીજો વિકલ્પ લશ્કરી ધમકીનો છે; જો ગ્રીનલેન્ડ ડરના માર્યા શરણાગતિ સ્વીકારે તો રક્તપાત વગર કામ થઈ જાય. ત્રીજો અને છેલ્લો વિકલ્પ વેનેઝુએલા જેવી કાર્યવાહીનો છે. નિષ્ણાતો માને છે કે માત્ર ૫૬,૦૦૦ ની વસ્તી ધરાવતા ગ્રીનલેન્ડને કબજે કરવામાં અમેરિકાને ૩૦ મિનિટ પણ નહીં લાગે. જોકે, ગ્રીનલેન્ડના વડાપ્રધાને વાતચીતના સંકેત આપ્યા છે, જે સૂચવે છે કે ગ્રીનલેન્ડ પોતે પણ ડેનમાર્કની ગુલામીમાંથી આઝાદ થઈ અમેરિકાના શરણે જવા વિચારી રહ્યું હોય શકે છે.

(8:36 PM IST)