<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કઠુઆના જંગલોમાં ગોળીબારનો ગુંજારવ: બિલાવરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર, સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધો

ગુપ્તચર માહિતીના આધારે મધરાતે શરૂ કરાયું સર્ચ ઓપરેશન; આતંકવાદીઓએ છૂપાઈને કર્યો હુમલો, ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ

કઠુઆ : જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ફરી એકવાર આતંકવાદી ગતિવિધિઓને નાબૂદ કરવા માટે સુરક્ષા દળોએ કમર કસી છે. બુધવારે સાંજે કઠુઆના બિલાવર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુપ્તચર સંસ્થાઓ પાસેથી મળેલી પાકી બાતમીના આધારે જ્યારે જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે છૂપાયેલા આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના જવાબમાં ભારતીય સૈનિકોએ પણ મોરચો સંભાળી લીધો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલાવરના દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની શંકા હતી. સુરક્ષા દળોએ ઘેરાબંધી વધુ મજબૂત બનાવી છે જેથી કોઈ પણ આતંકવાદી ભાગી ન શકે. અંધારાનો લાભ લઈને આતંકવાદીઓ બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સેના અને પોલીસની સંયુક્ત ટીમે ડ્રોન અને અત્યાધુનિક હથિયારો સાથે ઓપરેશન તેજ કર્યું છે. આ વિસ્તારમાં વધારાની કુમક મોકલી દેવામાં આવી છે.
છેલ્લા કેટલાક કલાકોથી સતત ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. જમ્મુ વિભાગમાં આતંકવાદીઓના નેટવર્કને તોડવા માટે સેના સતત સક્રિય છે અને આ એન્કાઉન્ટરમાં ૨ થી ૩ આતંકવાદીઓ ઘેરાયા હોવાની આશંકા છે. આ ઓપરેશનમાં હજુ મોટા સમાચાર આવવાની શક્યતા છે, કારણ કે સુરક્ષા દળોએ આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.

(8:38 PM IST)