News of Wednesday, 7th January 2026
દિલ્હીમાં અડધી રાત્રે 'બુલડોઝર' ગર્જ્યું: તુર્કમાન ગેટ પાસે હિંસક અથડામણ અને પથ્થરમારો, જાણો કોની જમીન પર ચાલ્યા MCD ના ૨૦ બુલડોઝર?
રામલીલા મેદાનના અતિક્રમણ પર હાઈકોર્ટનો હથોડો; મસ્જિદ સુરક્ષિત પણ આસપાસના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત, પોલીસ અને ઉશ્કેરાયેલા ટોળા વચ્ચે ઘર્ષણમાં અનેક જવાનો ઘાયલ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં તુર્કમાન ગેટ વિસ્તાર મધ્યરાત્રિએ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. દિલ્હી હાઈકોર્ટના કડક આદેશ બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના ૨૦ જેટલા બુલડોઝરોએ મધરાતે ત્રાટકીને ૩૮,૯૪૦ ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર થયેલું ગેરકાયદે અતિક્રમણ તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અફવાઓ ફેલાતા સ્થાનિક ટોળાએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ હિંસામાં એક SHO સહિત પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ જમીન કોની છે? MCD મેયર રાજા ઇકબાલના જણાવ્યા અનુસાર, ૧૯૪૦ માં ૯૦૦ ચોરસ મીટર જમીન કબ્રસ્તાન માટે લીઝ પર આપવામાં આવી હતી, જેના પર ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ બનેલી છે જે કાયદેસર છે. જોકે, આ મસ્જિદની આસપાસ રામલીલા મેદાનની જમીન પર બેન્ક્વેટ હોલ અને અન્ય ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. મસ્જિદ સમિતિ આ વધારાની જમીનના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે MCD અને PWD એ દાવો કર્યો હતો કે આ જમીન રામલીલા મેદાનનો ભાગ છે.
મેયરે સ્પષ્ટ કર્યું હતું કે હાઈકોર્ટના નિર્દેશ મુજબ માત્ર ગેરકાયદે બેન્ક્વેટ હોલ અને અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે, કોઈ પણ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. બીજી તરફ, વક્ફ બોર્ડ અને અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓએ આ કાર્યવાહીની નિંદા કરી તેને વક્ફ મિલકત પર તરાપ ગણાવી છે. હાલમાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સ્થિતિ કાબુમાં છે. હાઈકોર્ટમાં આ મામલે હવે આગામી સુનાવણી ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
