<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

વેનેઝુએલા કટોકટી: શેરબજારમાં તોફાન પૂર્વેની શાંતિ? જાણો એ ૫ સંકેતો જે તમારા રોકાણને ડુબાડી શકે છે

ટ્રમ્પના આકરા વલણથી ગ્લોબલ માર્કેટમાં ગભરાટ; સોનું નવી ઊંચાઈએ પહોંચ્યું પણ ક્રૂડ અને બોન્ડ માર્કેટમાં છૂપો ભય, શું આ ૨૦૨૬ના મોટા આર્થિક પતનની શરૂઆત છે?

મુંબઈ : વેનેઝુએલા સામે અમેરિકાની તાજેતરની કાર્યવાહીએ ભલે અત્યારે શેરબજારમાં મોટી ઉથલપાથલ ન મચાવી હોય, પરંતુ નિષ્ણાતો તેને 'તોફાન પૂર્વેની શાંતિ' તરીકે જોઈ રહ્યા છે. વૈશ્વિક વ્યૂહરચનાકારો માને છે કે આ ઘટના માત્ર એક હેડલાઇન નથી, પરંતુ એક એવા ભૂ-રાજકીય તણાવની શરૂઆત છે જે ગમે ત્યારે બજારને ધબાય નમઃ કરી શકે છે. ખાસ કરીને જ્યારે ટ્રમ્પે મેક્સિકો, કોલંબિયા અને ગ્રીનલેન્ડ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, ત્યારે ડેનમાર્કે નાટોના પતન સુધીની ચેતવણી આપી દીધી છે.
રોકાણકારો માટે અત્યારે પાંચ મોટા લાલ સંકેતો (Red Flags) દેખાઈ રહ્યા છે. પ્રથમ સંકેત ક્રૂડ ઓઇલના માળખામાં ફેરફાર છે. જો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અચાનક ઉછાળો આવે અને ખરીદદારો બેરલ સુરક્ષિત કરવા દોડે, તો સમજવું કે પુરવઠાની અછત વાસ્તવિક છે. બીજો સંકેત વોલેટિલિટી ઇન્ડેક્સ (VIX) છે; જો આ ઇન્ડેક્સ વધે છે, તો બજારમાં ભારે વધઘટ નક્કી છે. ત્રીજો અને ચોથો સંકેત બોન્ડ યીલ્ડ અને ક્રેડિટ સ્પ્રેડ છે, જે ઘણીવાર શેરબજાર તૂટે તે પહેલાં જોખમનો ઈશારો કરી દેતા હોય છે.
સૌથી મહત્વનો પાંચમો સંકેત 'સેફ હેવન' એટલે કે સોના-ચાંદીમાં રોકાણ છે. વર્ષ ૨૦૨૬માં સોનાએ પહેલેથી જ અનેક રેકોર્ડ તોડ્યા છે અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના મતે આ વર્ષે સોનું $૪,૮૦૦ પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો સોનાના ભાવ રોકેટની ગતિએ વધવા લાગે, તો સમજી લેવું કે રોકાણકારો ઇક્વિટી માર્કેટમાંથી પૈસા કાઢીને સુરક્ષિત રોકાણ તરફ ભાગી રહ્યા છે. અત્યારે બજાર માત્ર 'રાહ જુઓ અને જુઓ'ની નીતિ અપનાવી રહ્યું છે, પરંતુ કોઈ પણ નાની તણખા જેવી ઘટના આખા બજારમાં આગ લગાડી શકે છે.

(8:49 PM IST)