News of Wednesday, 7th January 2026
પાકિસ્તાનની નવી પેંતરાબાજી: 'જો ભારત બાંગ્લાદેશ પર હુમલો કરશે તો પાકિસ્તાન મિસાઇલોથી જવાબ આપશે', શાહબાઝ શરીફના નજીકના નેતાની ખુલ્લી ધમકી
બાંગ્લાદેશમાં પાકિસ્તાનનો વધતો પ્રભાવ; શરીફની પાર્ટીના નેતાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, ઓપરેશન 'બુન્યાન અલ-મર્સૂસ' યાદ કરાવી યુદ્ધની બડાઈ હાંકી

ઇસ્લામાબાદ :દક્ષિણ એશિયાના રાજકારણમાં એક નવો અને વિવાદાસ્પદ વળાંક આવ્યો છે. જે પાકિસ્તાનના અત્યાચારોમાંથી ભારતે ૧૯૭૧માં બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું, આજે એ જ પાકિસ્તાન બાંગ્લાદેશનો 'રક્ષક' બનવાનો ડોળ કરી રહ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફની પાર્ટી (PML-N) ના કદાવર નેતા કામરાન સઈદ ઉસ્માનીએ એક ઉશ્કેરણીજનક વીડિયો જાહેર કરીને ભારતને સીધી યુદ્ધની ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો ભારત બાંગ્લાદેશની સ્વાયત્તતા પર હુમલો કરશે, તો પાકિસ્તાની સેના અને તેમની મિસાઇલો ઢાકાની રક્ષા માટે તૈયાર રહેશે.
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના નવા બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રત્યે વધતા ઝુકાવનો લાભ ઉઠાવતા ઉસ્માનીએ કહ્યું કે, "હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાન એકસાથે ઉભા છે." તેમણે ભારત પર આરોપ લગાવતા કહ્યું કે ભારતીય રાજકારણીઓ મુસ્લિમોને ગુલામ બનાવવા માંગે છે અને બાંગ્લાદેશનો પાણી પુરવઠો કાપીને તેમને પરેશાન કરી રહ્યા છે. પાકિસ્તાની નેતાએ મે ૨૦૨૫ ના સંઘર્ષનો ઉલ્લેખ કરીને ભારતને ચેતવણી આપી કે તેઓ 'ઓપરેશન બુન્યાન અલ-મર્સૂસ' જેવી કાર્યવાહી ફરીથી કરવાથી પાછી પાની નહીં કરે.
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બાંગ્લાદેશ હવે પાકિસ્તાનના પ્રભાવ હેઠળ આવી રહ્યું છે. કામરાન સઈદે પોતાના વીડિયોમાં ઇસ્લામિક કાર્ડ રમતા કહ્યું કે હવે બંને દેશોના યુવાનો જાગૃત થઈ ગયા છે અને તેઓ ભારતનું વર્ચસ્વ સ્વીકારશે નહીં. ભારત માટે આ એક ગંભીર સુરક્ષા પડકાર છે, કારણ કે પાકિસ્તાન હવે પૂર્વ અને પશ્ચિમ બંને મોરચે ભારતને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આ નિવેદનને દક્ષિણ એશિયાની શાંતિ માટે જોખમી માની રહ્યા છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
