<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બિહારમાં હિજાબ વિવાદનો સુખદ અંત: ભારે હોબાળા બાદ આખરે ડૉ. નુસરત પરવીને પટનામાં સંભાળી ફરજ, જોડાવાનો છેલ્લી ઘડીએ લીધો નિર્ણય

નીતિશ કુમાર સાથેના વિવાદ બાદ નોકરી છોડવાની હતી ચર્ચા; ઝારખંડ સરકારે ૩ લાખના પગારની ઓફર આપી હોવા છતાં ડૉ. નુસરતે બિહારમાં જ સેવા આપવાનું નક્કી કર્યું

પટના : બિહારના રાજકારણમાં ભારે ચર્ચિત બનેલા હિજાબ વિવાદના મુખ્ય પાત્ર ડૉ. નુસરત પરવીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે. ૧૫ ડિસેમ્બરે મુખ્યમંત્રી નીતિશ કુમારના હાથે નિમણૂક પત્ર લેતી વખતે બનેલી હિજાબની ઘટના બાદ ડૉ. નુસરત માનસિક રીતે વ્યથિત હતા અને તેઓ નોકરીમાં જોડાશે નહીં તેવી અફવાઓ જોર પકડી રહી હતી. જોકે, આજે ૭ જાન્યુઆરીની અંતિમ ડેડલાઇનના દિવસે બપોરે તેઓ પટના સદર હોસ્પિટલ પહોંચ્યા હતા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરી સત્તાવાર રીતે પોતાની ડ્યુટીમાં જોડાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ જાહેરમાં તેમના ચહેરા પરથી હિજાબ હટાવતા મોટો વિવાદ છેડાયો હતો. આ મુદ્દે રાજકીય રંગ પકડ્યો હતો અને વિપક્ષોએ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની અસામાજિક તત્વો તરફથી ધમકીઓ મળતા બિહાર પોલીસ હરકતમાં આવી હતી. બીજી તરફ, પડોશી રાજ્ય ઝારખંડના મંત્રી ડૉ. ઇરફાન અન્સારીએ નુસરતને ૩ લાખના તોતિંગ પગાર અને પસંદગીના પોસ્ટિંગ સાથે ઝારખંડમાં નોકરીની ઓફર પણ આપી હતી, છતાં નુસરતે બિહાર સરકારમાં જ રહેવાનું પસંદ કર્યું છે.

ડૉ. નુસરત પરવીન આયુષ ડોક્ટર તરીકે નિમાયા છે. તેમની સાથેના અન્ય ૬૩ તબીબો અગાઉ જ ફરજ પર જોડાઈ ગયા હતા, પરંતુ નુસરત કોલકાતા હોવાનું કહેવાતું હતું. આજે જો તેઓ હાજર ન થયા હોત તો તેમની નિમણૂક રદ થઈ ગઈ હોત. તારીખ ૨૦ ડિસેમ્બરથી લંબાવવામાં આવેલી મુદત આખરે આજે પૂર્ણ થઈ અને ડૉ. નુસરતે વિવાદોને પાછળ છોડીને જનસેવાનો માર્ગ અપનાવ્યો છે. હાલમાં હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

(8:52 PM IST)