<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો: ભાજપ સાથે 'ગુપ્ત સેટિંગ' કરનારા અંબરનાથના પ્રમુખ પ્રદીપ પાટીલ દૂધમાંથી માખણની જેમ ફેંકાયા : આખેઆખી સમિતિ વિખેરી નખાઈ

મહારાષ્ટ્રમાં ચૂંટણીના રણશિંગા વાગી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ થયો : અંબરનાથ બ્લોક પ્રમુખે પક્ષને અંધારામાં રાખીને ભાજપ સાથે હાથ મિલાવતા હાઈકમાન્ડે ગાજવીજ સાથે કાર્યવાહી કરી : જેમાં પ્રદીપ પાટીલને સસ્પેન્ડ કરવાની સાથે સમગ્ર કારોબારીને બરખાસ્ત કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સીધો અને કડક સંદેશ પાઠવ્યો

અમ્બરનાથ  : મહારાષ્ટ્રના રાજકારણમાં મિત્રો અને દુશ્મનોની વ્યાખ્યા બદલાઈ રહી છે, પરંતુ કોંગ્રેસે સાબિત કરી દીધું છે કે તે 'વિચારધારા' સાથે કોઈ બાંધછોડ નહીં કરે. અંબરનાથ બ્લોક કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ પાટીલે પક્ષના નેતૃત્વને જાણ કર્યા વગર ભાજપ સાથે જે 'અપવિત્ર ગઠબંધન' કર્યું, તેનો ભાંડો મીડિયા દ્વારા ફૂટતા જ હડકંપ મચી ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના 12 ઉમેદવારો જીત્યા હોવા છતાં, પાટીલે ભાજપના કાઉન્સિલરો સાથે હાથ મિલાવીને પક્ષની પીઠમાં છરો ભોંકવાનું કામ કર્યું હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકલે તેમને તાત્કાલિક અસરથી ઘરભેગા કરી દીધા છે.

આ રાજકીય ડ્રામામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ મેદાનમાં ઉતરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, "જે ભાજપ આદર્શોની વાતો કરે છે, તેણે સત્તા ભૂખ સંતોષવા માટે અંબરનાથમાં કોંગ્રેસ અને આકોટમાં AIMIM સાથે ગઠબંધન કેવી રીતે કર્યું?" આ નિવેદને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને ગઠબંધનોમાં આંતરિક ખેંચતાણને સપાટી પર લાવી દીધી છે. કોંગ્રેસે આ મામલે માત્ર પ્રમુખ જ નહીં, પણ આખી સમિતિને વિખેરી નાખીને એ સ્પષ્ટ કર્યું છે કે પક્ષ લાઇનથી ભટકનારા કોઈપણ નેતા કે કોર્પોરેટરને બક્ષવામાં આવશે નહીં.

રાજકીય વિશ્લેષકો આ કાર્યવાહીને કોંગ્રેસના 'શુદ્ધિકરણ અભિયાન' તરીકે જોઈ રહ્યા છે. આગામી ચૂંટણીઓમાં કાર્યકરોનું મનોબળ ન તૂટે અને કોઈ સ્થાનિક નેતા અંગત સ્વાર્થ માટે વિરોધ પક્ષો સાથે સેટિંગ ન કરી લે તે માટે આ કડક ઉદાહરણ બેસાડવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગણેશ પાટીલે જારી કરેલા પત્રમાં સ્પષ્ટ છે કે જે નેતાઓ પક્ષની છબી ખરડશે તેમની સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ સસ્પેન્શન બાદ અંબરનાથના સ્થાનિક સમીકરણો કેવો વળાંક લે છે અને ભાજપ આ ગઠબંધન વિવાદ પર શું સ્પષ્ટતા કરે છે.

(11:16 PM IST)