News of Wednesday, 7th January 2026
પાકિસ્તાની જનરલ બેતુકા બોલ : "મજા ન આવે તો પૈસા પાછા" કહી ભારતને આપી ધમકી: ISI હવે નિર્દોષ ભારતીય બાળકોને બનાવી રહી છે જાસૂસ
પડોશી દેશ પાકિસ્તાન પોતાની આંતરિક કંગાળી અને અફઘાનિસ્તાન સાથેના સરહદી વિવાદથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ફરી 'ભારત કાર્ડ' ખેલી રહ્યું છે : મહિલા પત્રકારને આંખ મારવા બદલ બદનામ થયેલા જનરલ અહેમદ શરીફ ચૌધરીએ સડકછાપ ભાષામાં ભારતને લલકાર્યું

ઈસ્લામાબાદ : પાકિસ્તાની આર્મીના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ મર્યાદાના તમામ સીમાડા ઓળંગીને ભારતને ધમકી આપવા માટે "સ્ટ્રીટ-સ્માર્ટ" ભાષાનો પ્રયોગ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ઉદ્ધતાઈપૂર્વક કહ્યું કે, "જ્યાંથી આવવું હોય ત્યાંથી આવો, એકલા આવો કે કોઈની સાથે, જો તમને પાઠ ન ભણાવીએ તો તમારા પૈસા પાછા." એક ગંભીર સૈન્ય પદ પર બેઠેલા વ્યક્તિ દ્વારા આવી બજારુ ભાષાનો પ્રયોગ દર્શાવે છે કે પાકિસ્તાની સેનામાં કેટલી હતાશા વ્યાપેલી છે. રસપ્રદ વાત એ છે કે આ એ જ જનરલ છે જે અગાઉ મહિલા પત્રકાર પ્રત્યેના અશોભનીય વર્તન બદલ આખી દુનિયામાં થૂ-થૂ કરાવી ચૂક્યા છે. હવે તેઓ 2026 માં ભારત સામે ટકરાવાની શેખી મારી રહ્યા છે, જ્યારે તેમનો પોતાનો દેશ દેવાના ડુંગર નીચે દબાયેલો છે.
ISI નું નવું પાપ: ભારતીય બાળકોનો 'ચાઈલ્ડ સ્પાય' તરીકે ઉપયોગ
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે હથિયારોથી હારીને ભારતના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. ચોંકાવનારા અહેવાલ મુજબ, પાકિસ્તાન ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા દ્વારા ભારતના 14 થી 17 વર્ષના બાળકોને નિશાન બનાવી રહ્યું છે. હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લગભગ 37 સગીરો અત્યારે સુરક્ષા એજન્સીઓની દેખરેખ હેઠળ છે, જેમનું બ્રેઈનવોશ કરીને ભારતીય સેનાના લોકેશન અને ફોટા મંગાવવામાં આવ્યા હતા. આ 'ચાઈલ્ડ જાસૂસી' નેટવર્ક પાકિસ્તાનની એ લાચારી બતાવે છે જ્યાં હવે તેઓ આમને-સામને લડવાની હિંમત ગુમાવી ચૂક્યા છે અને માસૂમ બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
સરહદની પેલે પાર માત્ર લશ્કરી જનરલો જ નહીં, પણ આતંકવાદી સંગઠનો પણ બેફામ બન્યા છે. લશ્કર-એ-તૈયબાના સૈફુલ્લાહ સૈફે બહાવલપુરમાં ખુલ્લેઆમ 'ગઝવા-એ-હિંદ' એટલે કે ભારત વિરુદ્ધ ધર્મયુદ્ધના નારા લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ધમકી આપી છે. પાકિસ્તાન સરકાર અને સેનાના આશીર્વાદથી આ આતંકવાદીઓ ભારતીય નેતાઓને 'કાફિર' કહીને હિંસા ભડકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા દળો અત્યારે હાઈ એલર્ટ પર છે, કારણ કે પાકિસ્તાન એકબાજુ અફઘાનિસ્તાન સાથેના સંઘર્ષમાં ફસાયેલું છે અને બીજી બાજુ ભારત વિરુદ્ધ નવું મોરચો ખોલીને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માંગે છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
