News of Wednesday, 7th January 2026
કઠુઆના જંગલોમાં ખેલાયો લોહિયાળ જંગ: આતંકવાદીઓ અને સેના વચ્ચે સામસામે ગોળીબાર : ગાઢ નાલા વિસ્તારમાં ઘેરાબંધી તેજ : સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ અને લોખંડી સુરક્ષા
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવાના આતંકી મનસૂબા પર સુરક્ષા દળોએ ફરી એકવાર પાણી ફેરવ્યું : જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો : આખા વિસ્તારને ચારેબાજુથી સીલ કરી દેવામાં આવ્યો

કઠુઆ : જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ભારતીય સેનાને ચોક્કસ બાતમી મળી હતી કે કઠુઆના બિલ્લાવર સેક્ટરમાં કેટલાક સશસ્ત્ર આતંકવાદીઓ ઘૂસણખોરી કરીને છુપાયા છે. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ જ્યારે કામધ નાલાના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે અચાનક આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પહાડી ભૂપ્રદેશ અને ગાઢ જંગલનો ફાયદો ઉઠાવી રહેલા આતંકીઓને પકડવા માટે સેનાએ ડ્રોન અને આધુનિક સાધનોની મદદ લીધી છે. આઈજીપી જમ્મુએ પુષ્ટિ કરી છે કે બંને તરફથી હજુ પણ સતત ફાયરિંગ ચાલુ છે અને સુરક્ષા દળો કોઈ પણ ભોગે આતંકીઓને જીવતા કે મરેલા પકડવા મક્કમ છે.
આ એન્કાઉન્ટર એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ગતરોજ ઉધમપુરમાં આતંકીઓ સામે લડતા જમ્મુ-કાશ્મીર પોલીસના બહાદુર જવાન અમજદ પઠાણે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. પૂંછના મેંઢર વિસ્તારના વતની એવા શહીદ અમજદ પઠાણની શહાદત બાદ સમગ્ર સુરક્ષા દળોમાં ભારે આક્રોશ છે. ઉધમપુરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીઓ સામે ચાલેલા એ ઓપરેશન બાદ હવે કઠુઆમાં ચાલી રહેલા આ એન્કાઉન્ટરને આતંકીઓના સફાયા માટેના એક મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહ્યું છે. સેનાના સૂત્રોનું કહેવું છે કે સરહદ પારથી ઘૂસણખોરી કરીને આવેલા આ આતંકી મોડ્યુલને ખતમ કરવા માટે વધારાની ટુકડીઓ પણ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે.
કઠુઆ અને આસપાસના જિલ્લાઓમાં આતંકી ગતિવિધિઓ વધતા સમગ્ર જમ્મુ ડિવિઝનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક ગ્રામીણોને સુરક્ષાના કારણોસર જંગલ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના વચ્ચેના ઉત્તમ તાલમેલને કારણે આતંકીઓને જંગલના મર્યાદિત વિસ્તારમાં રોકી રાખવામાં સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓ માને છે કે આ આતંકવાદીઓ મોટા હુમલાના ઈરાદે આવ્યા હતા, પરંતુ સમયસરની કાર્યવાહીએ મોટી હોનારત ટાળી દીધી છે. હાલમાં ઓપરેશન ચાલુ હોવાથી સુરક્ષાના કારણોસર કેટલાક વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
