News of Wednesday, 7th January 2026
ટેક જગતમાં મહા-મર્જરનો ધમાકો: Realme અને OnePlus હવે Oppo ના 'સૈનિકો' બનશે : સ્માર્ટફોન માર્કેટમાં નવા યુગનો પ્રારંભ
દુનિયાભરમાં ધૂમ મચાવતી ત્રણ દિગ્ગજ કંપનીઓ હવે એક જ છત્ર નીચે આવશે: ઓપ્પોએ તેના બિઝનેસ સ્ટ્રક્ચરને ધારદાર બનાવવા માટે રિયલમી અને વનપ્લસને પોતાની સબ-બ્રાન્ડ તરીકે સ્વીકારી લીધી : જેનાથી રિસર્ચથી લઈને સર્વિસ સેન્ટર સુધી બધું જ એકીકૃત થશે અને યુઝર્સને હવે 'થ્રી-ઇન-વન' જેવો અનુભવ

નવી દિલ્હી : સ્માર્ટફોન માર્કેટમાં વધતી સ્પર્ધા અને ચિપની અછત જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે Oppo એ આ માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. Realme અને OnePlus અત્યાર સુધી સ્વતંત્ર રીતે કામ કરતી હતી, પરંતુ હવે તેઓ Oppo ની સબ-બ્રાન્ડ તરીકે ઓળખાશે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખર્ચ ઘટાડવાનો અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. હવે આ ત્રણ બ્રાન્ડ માટે અલગ-અલગ લોજિસ્ટિક્સ કે રિસર્ચ ટીમોની જરૂર નહીં રહે. એક જ પેરેન્ટ કંપની હોવા છતાં, તેઓ અલગ-અલગ માર્કેટ સેગમેન્ટને ટાર્ગેટ કરશે, જેથી ગ્રાહકોને તેમની પસંદગી મુજબના પ્રીમિયમ કે બજેટ ફોન મળતા રહે.
આ મર્જર બાદ નેતૃત્વના સ્તરે પણ મોટા ફેરફારો થયા છે. Realme ના સ્થાપક અને CEO, સ્કાય લી (Sky Li) ને હવે એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે; તેઓ Realme અને OnePlus સહિત Oppo ના તમામ સબ-બ્રાન્ડ્સના સંચાલનનું નેતૃત્વ કરશે. બીજી તરફ, લી જી (Li Jie) વનપ્લસ ચાઇનાના પ્રમુખ તરીકે પોતાની સેવા ચાલુ રાખશે. કંપનીનું માનવું છે કે ભૂમિકાઓની આ સ્પષ્ટ વહેંચણીથી આંતરિક મૂંઝવણ દૂર થશે અને નવી ટેકનોલોજીને બજારમાં ઝડપથી લાવવામાં મદદ મળશે. ખાસ કરીને Realme યુઝર્સ માટે હવે Oppo ના વિશાળ સર્વિસ નેટવર્કનો ઉપયોગ કરવો સરળ બનશે.
યુઝર્સ માટે આ સમાચાર મિશ્ર પ્રતિસાદ લાવી શકે છે. સૌથી મોટો ફાયદો એ થશે કે Realme ના ગ્રાહકોને હવે Oppo ના મજબૂત આફ્ટર-સેલ્સ સર્વિસ નેટવર્કનો લાભ મળશે, જેનાથી ફોન રિપેરિંગ અને સપોર્ટ વધુ ઝડપી બનશે. જોકે, ટેક નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે સોફ્ટવેરના સ્તરે ત્રણેય બ્રાન્ડ સમાન બની શકે છે. જેમ વનપ્લસના ઓક્સિજનઓએસ (OxygenOS) માં કલરઓએસ (ColorOS) ની ઝલક જોવા મળી હતી, તેમ હવે રિયલમી યુઆઈ (Realme UI) પણ આ જ માર્ગે ચાલી શકે છે. આનાથી બ્રાન્ડ્સ વચ્ચેનો તફાવત ઘટશે અને યુઝર્સને ત્રણેય કંપનીના ફોનમાં એક સરખો જ 'સોફ્ટવેર સોલ' (Software Soul) અનુભવવા મળી શકે છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
