<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

UAE માં 'કોર્પોરેટ નાગરિકતા'નો નવો અધ્યાય: વિદેશી કંપનીઓ હવે કહેવાશે 'અમીરાતી' : શું ભારતીય વેપારી સામ્રાજ્ય માટે ખુલશે કુબેરના ભંડાર?

ગલ્ફ દેશોમાં બિઝનેસ કરવાના નિયમોમાં ઐતિહાસિક પલટો આવતા હવે UAE માં સ્થાયી થયેલી ભારતીય કંપનીઓને સત્તાવાર રાષ્ટ્રીયતાનો દરજ્જો મળશે : માલિકોને નાગરિકતા નહીં મળે પરંતુ કંપનીઓને ટેક્સ મુક્તિ, વૈશ્વિક વેપાર કરારો અને 'મેડ ઇન UAE' ના ટેગ સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં સિંહફાળો મેળવવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે

નવી દિલ્હી : સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વાણિજ્યિક કંપની કાયદામાં ધરખમ સુધારો કરીને દુનિયાભરના ઉદ્યોગપતિઓને ચોંકાવી દીધા છે. હવે UAE માં નોંધાયેલી કોઈપણ વિદેશી કંપનીને 'કોર્પોરેટ નાગરિકતા' આપવામાં આવશે, જેનો અર્થ છે કે તે કંપની કાયદેસર રીતે અમીરાતી કંપની ગણાશે. જોકે, અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે આ માન્યતા માત્ર કંપનીના કાગળ પરના અસ્તિત્વ માટે છે, તેના માલિકો કે રોકાણકારોને વ્યક્તિગત રીતે UAE ની નાગરિકતા કે પાસપોર્ટ મળશે નહીં. જેમ જર્મનીમાં રજિસ્ટર્ડ કંપની 'જર્મન' કહેવાય છે, તેમ હવે દુબઈ કે અબુ ધાબીમાં રજિસ્ટર્ડ ભારતીય કંપનીઓ પણ ગર્વથી પોતાને 'અમીરાતી કોર્પોરેટ' તરીકે ઓળખાવી શકશે, જે તેમના માટે ગ્લોબલ બ્રાન્ડિંગનું કામ કરશે.

ભારતીય કંપનીઓ માટે ફાયદાનું 'દુબઈ મોડલ'

ભારત અને UAE વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે અને આ નવો કાયદો ભારતીય સ્ટાર્ટઅપ્સ અને મોટા ઉદ્યોગગૃહો માટે લાલ જાજમ સમાન છે. માત્ર 2025 ના પ્રથમ નવ મહિનામાં જ 13,851 થી વધુ ભારતીય કંપનીઓ દુબઈ ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાઈ છે, જે સાબિત કરે છે કે ભારતીયો માટે UAE પહેલેથી જ મનપસંદ બિઝનેસ ડેસ્ટિનેશન છે. હવે 'કોર્પોરેટ નાગરિકતા' મળવાથી આ કંપનીઓને UAE એ અન્ય દેશો સાથે કરેલા મુક્ત વ્યાપાર કરારો (FTAs) નો સીધો લાભ મળશે. ભારતીય ઉદ્યોગસાહસિકો હવે ઓછા ટેરિફ, સરહદ પારના સરળ વેપાર અને સ્થાનિક સરકાર તરફથી મળતા વિશેષ પ્રોત્સાહનોનો ઉપયોગ કરીને પોતાના બિઝનેસને ગ્લોબલ લેવલ પર લઈ જઈ શકશે.

વૈશ્વિક સ્પર્ધામાં ભારતની મજબૂત દાવેદારી

UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું આ પગલું ભારત જેવી ઉભરતી આર્થિક સત્તાઓ માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું છે. આ કાયદા હેઠળ કંપનીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ વિશ્વાસ અને વિશ્વસનીયતા મળશે. જ્યારે કોઈ ભારતીય મૂળની કંપની 'અમીરાતી કંપની' તરીકે યુરોપ કે અમેરિકામાં વેપાર કરશે, ત્યારે તેને ગલ્ફ દેશોના આર્થિક પીઠબળનો લાભ મળશે. આનાથી માત્ર રોકાણ જ નહીં વધે, પરંતુ આઈટી, કન્સ્ટ્રક્શન અને રિટેલ ક્ષેત્રની સેંકડો ભારતીય કંપનીઓ માટે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મોટું સ્થાન જમાવવાનો માર્ગ મોકળો થશે. ટૂંકમાં, આ કાયદો ભારતીય બિઝનેસમેન માટે 'લોકલ' બનીને 'ગ્લોબલ' બનવાની શ્રેષ્ઠ તક છે.

(11:15 PM IST)