News of Wednesday, 7th January 2026
શેરીના કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: "કૂતરો ક્યારે કરડશે તે કોઈ જાણી શકે નહીં: નિયમો નેવે મૂકનારા રાજ્યો સામે થશે કડક એક્શન":
દેશભરમાં રખડતા કૂતરાઓના વધતા હુમલાઓ અને તેનાથી થતા માર્ગ અકસ્માતો અંગે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે માનવ જીવની સુરક્ષા સર્વોપરી છે: કોર્ટે રસીકરણ અને નસબંધીના નિયમોનું પાલન ન કરનારા રાજ્યોને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓના મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ અત્યંત તીખી પ્રતિક્રિયા આપી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને તેમની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તમે એ આગાહી કરી શકતા નથી કે કૂતરો ક્યારે કરડશે, કારણ કે અમે તેમનું મન વાંચી શકતા નથી." કોર્ટે આ ટિપ્પણી દ્વારા એ લોકો પર નિશાન સાધ્યું છે જેઓ કૂતરાઓના હિંસક વર્તનને હળવાશથી લે છે. ખાસ કરીને રાજસ્થાન હાઈકોર્ટના બે ન્યાયાધીશો જ્યારે કૂતરાના કારણે અકસ્માતનો ભોગ બન્યા અને તેમાંથી એક આજે પણ કરોડરજ્જુની ગંભીર ઈજા સાથે ઝઝૂમી રહ્યા છે, તે ઉદાહરણ આપીને કોર્ટે રખડતા પશુઓને કારણે થતા જોખમો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
રાજ્યોને અલ્ટીમેટમ અને પીડિતોને પ્રાથમિકતા
ન્યાયાધીશ સંદીપ મહેતાએ સુનાવણી દરમિયાન રાજ્યોની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે અત્યાર સુધી નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે હવે આકરો મિજાજ ધારણ કરતા જણાવ્યું છે કે જે રાજ્યોએ હજુ સુધી રજૂ કરેલા આદેશો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, તેમની સામે કોર્ટ કડક કાયદાકીય કાર્યવાહી કરશે. વધુમાં, કોર્ટે ન્યાયની પ્રક્રિયામાં પણ સ્પષ્ટતા કરી છે કે સૌથી પહેલા તે પીડિતો (કૂતરાના હુમલાનો ભોગ બનેલા લોકો) ની વ્યથા સાંભળશે અને ત્યારબાદ જ કૂતરા પ્રેમીઓની દલીલો પર વિચાર કરવામાં આવશે. આ વલણ દર્શાવે છે કે કોર્ટ હવે રક્ષણ અને સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી.
વૈજ્ઞાનિક અભિગમ વિરુદ્ધ વ્યાવહારિક પડકારો
બીજી તરફ, કૂતરા પ્રેમીઓ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે દેશના તમામ રખડતા કૂતરાઓને શેલ્ટર હોમ (આશ્રયસ્થાનો) માં રાખવા આર્થિક અને શારીરિક રીતે અશક્ય છે. તેમણે દલીલ કરી કે આ સમસ્યાનો ઉકેલ માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિથી અને કાયદાના ચુસ્ત અમલ દ્વારા જ લાવી શકાય છે. જોકે, કોર્ટે અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે નસબંધી અને રસીકરણ કર્યા પછી જ કૂતરાઓને યોગ્ય જગ્યાએ ખસેડવા જોઈએ. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આગામી સમયમાં માનવીય અધિકારો અને પશુઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા માટે કેવો ઐતિહાસિક ચુકાદો આપે છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
