<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે 'મોદી-નેતન્યાહૂ'ની મેગા ટૉક: વેનેઝુએલામાં અમેરિકી હુમલાથી મચેલા હાહાકાર વચ્ચે ઈઝરાયલે ભારત પાસે માંગી મદદ?

દુનિયા જ્યારે વેનેઝુએલામાં અમેરિકાના લશ્કરી હસ્તક્ષેપ અને રાષ્ટ્રપતિને બંધક બનાવવાની ઘટનાથી સ્તબ્ધ : ત્યારે નેતન્યાહૂએ પીએમ મોદીને ફોન કરીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું : બંને નેતાઓએ નવા વર્ષની શુભેચ્છાઓની સાથે આતંકવાદના સફાયા અને ગાઝા શાંતિ યોજના પર અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક મંત્રણા કરી

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે રાજકીય ઉથલપાથલના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. એકતરફ અમેરિકાએ વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી કરીને ત્યાંના રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને બંધક બનાવ્યા છે, જેનાથી દક્ષિણ અમેરિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આવા સમયે નેતન્યાહૂનો પીએમ મોદીને ફોન આવવો એ સૂચવે છે કે વૈશ્વિક સંકટ સમયે ભારતની ભૂમિકા કેટલી નિર્ણાયક બની ગઈ છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેમણે ઈઝરાયલી વડાપ્રધાન સાથે પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ પર ગંભીર ચર્ચા કરી છે.

ગાઝામાં શાંતિ સ્થાપવા ભારતનું પીઠબળ

આ હાઈ-પ્રોફાઈલ વાતચીતનો બીજો મહત્વનો મુદ્દો ગાઝા પટ્ટીમાં ચાલી રહેલો સંઘર્ષ હતો. નેતન્યાહૂએ પીએમ મોદીને તેમની 'ગાઝા શાંતિ યોજના' ના અમલીકરણ વિશે વિગતવાર માહિતી આપી હતી. પીએમ મોદીએ ભારતનો પક્ષ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ભારત આ ક્ષેત્રમાં ન્યાયી અને સ્થાયી શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે. આતંકવાદ સામે લડવાની સહિયારી પ્રતિબદ્ધતા અને માનવતાવાદી સહાય પૂરી પાડવાની ભારતની તૈયારીએ ઈઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત મિત્રનો સાથ સુનિશ્ચિત કર્યો છે.

વ્યૂહાત્મક ભાગીદારીના નવા આયામો

ભારત અને ઈઝરાયલ વચ્ચેની મિત્રતા હવે માત્ર સંરક્ષણ સોદાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમાન લોકશાહી મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ પર ટકેલી છે. બંને નેતાઓ નવા વર્ષમાં આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે સહમત થયા છે. વેનેઝુએલાના સંકટને કારણે ક્રૂડ ઓઈલ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર જે અસર થવાની ભીતિ છે, તેવા સંજોગોમાં ભારત અને ઈઝરાયલ જેવા મજબૂત અર્થતંત્રોનું સાથે આવવું એ વિશ્વ બજાર માટે પણ સકારાત્મક સંકેત છે. બંને નેતાઓએ ભવિષ્યમાં પણ સતત સંપર્કમાં રહેવા અને વૈશ્વિક પડકારોનો સાથે મળીને સામનો કરવાનો સંકલ્પ કર્યો છે.

(11:17 PM IST)