<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા અશાંતિ: ઢાકાના વ્યસ્ત કારવાન બજાર વિસ્તારમાં બીએનપીના પૂર્વ વિદ્યાર્થી નેતા અઝીઝુર રહેમાન મુસબ્બીરની ગોળી મારીને હત્યા કરી

ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાંગ્લાદેશમાં ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ અને અરાજકતાનો માહોલ

ઢાકા: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી પહેલા અરાજકતાનો માહોલ સર્જાયો છે. ઢાકાના વ્યસ્ત કારવાન બજાર વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ બીએનપીની સ્વયંસેવક પાંખના નેતા અઝીઝુર રહેમાન મુસબ્બીરની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશમાં ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ અને અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે રાત્રે રાજધાની ઢાકાના અત્યંત વ્યસ્ત ગણાતા કારવાન બજાર વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ પૂર્વ વિદ્યાર્થી નેતા અઝીઝુર રહેમાન મુસબ્બીરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. પોલીસ રિપોર્ટ અનુસાર, અઝીઝુર રહેમાન મુસબ્બીર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની સ્વયંસેવી વિંગ 'સ્વેચ્છાસેવક દળ'ના ઢાકા મેટ્રોપોલિટન નોર્થ યુનિટના પૂર્વ મહાસચિવ હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, મુસબ્બીર અને તેમના સાથી સુફિયાન વ્યાપારી મસૂદ જ્યારે કારવાન બજારમાં સ્ટાર હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં મુસબ્બીરનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના સાથી મસૂદને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ ઘટના બાદ બીએનપીના સેંકડો કાર્યકરોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

(10:32 AM IST)