<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ઓઈલ ગેમ: ત્રણ દેશો પર ૧૦૦ થી ૫૦૦ ટકા ટેરિફનો તોળાતો ખતરો: ભારત પણ લિસ્ટમાં ? ન્યુઝ ફર્સ્ટ

રશિયન ઓઈલના મોટા ખરીદદાર તરીકે ભારત અને ચીન જેવા દેશો પર આ 'સુપર ટેરિફ'નું જોખમ હોવાની અટકળો તેજ બની: જો કે, હજુ સુધી આ દેશોના નામની સત્તાવાર જાહેરાત થઈ નથી

ન્યૂયોર્ક: વ્હાઈટ હાઉસના સૂત્રો મુજબ ટ્રમ્પ આ મહિનાના અંત સુધીમાં ત્રણ દેશો પર ૧૦૦ થી ૫૦૦ ટકા જેટલો જંગી ટેરિફ લાદી શકે છે. રશિયન ઓઈલની ખરીદીને લઈને ભારત પર પણ આ ખતરો મંડરાઈ રહ્યો હોવાની ચર્ચા છે.

વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર મોટા કડાકાના એંધાણ મળી રહ્યા છે. વ્હાઈટ હાઉસના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ 'ઓઈલ ગેમ' એટલે કે તેલના વેપારને લઈને આ મહિનાના અંત સુધીમાં ત્રણ ચોક્કસ દેશો પર ૧૦૦ ટકાથી લઈને ૫૦૦ ટકા સુધીનો આકરો ટેરિફ લાદી શકે છે. આ સમાચાર વહેતા થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગભરાટ ફેલાયો છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ત્રણ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે? અહેવાલો મુજબ, આ ટેરિફ ખાસ કરીને એવા દેશો પર લક્ષિત હોઈ શકે છે જેઓ પ્રતિબંધો છતાં રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખી રહ્યા છે અથવા જેમના વેપારથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. 

સેનેટમાં રજૂ થયેલા પ્રસ્તાવો અને ટ્રમ્પની અગાઉની ચીમકીઓને જોતા, રશિયન ઓઈલના મોટા ખરીદદાર તરીકે ભારત અને ચીન જેવા દેશો પર આ 'સુપર ટેરિફ'નું જોખમ હોવાની અટકળો તેજ બની છે. જો કે, હજુ સુધી દેશોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(10:45 AM IST)