<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ભારતની નવી 'જાસૂસી આંખ' અન્વેષા: દુશ્મનોની છુપાયેલી ટેન્કને પણ શોધી કાઢશે, સ્પેનિશ કેપ્સ્યુલ પણ આકર્ષણનું કેન્દ્ર: ઈસરો ફરી એકવાર અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહેલ છે: પીએસએલવી-સી૬૨ રોકેટને અવકાશમાં મોકલવાની તૈયારી: આ મિશનમાં સ્પેનની એક ફૂટબોલના કદ જેવડી કેપ્સ્યુલ પણ મોકલવામાં આવશે, જે અવકાશમાંથી પરત ફરવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરશે: આ રોકેટ ભારત, મોરેશિયસ, લક્ઝમબર્ગ, યુએઈ, સિંગાપોર, યુરોપ અને અમેરિકાના મળીને કુલ ૧૭ અન્ય નાના ઉપગ્રહો પણ સાથે લઈ જશે

 

બેંગલુરુ: ઈસરો હવે પીએસએલવી-સી૬૨ રોકેટ દ્વારા ભારતનો અત્યાધુનિક ઉપગ્રહ 'અન્વેષા' અવકાશમાં મોકલવા સજ્જ છે. ડીઆરડીઓ દ્વારા નિર્મિત આ ઉપગ્રહ છદ્મવેશે છુપાયેલા દુશ્મનોને શોધવામાં સક્ષમ છે. આ મિશનમાં સ્પેનની એક ફૂટબોલના કદ જેવડી કેપ્સ્યુલ પણ મોકલવામાં આવશે જે અવકાશમાંથી પરત ફરવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) ફરી એકવાર અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહી છે. ઈસરો પીએસએલવી-સી૬૨ રોકેટને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે, જે ભારતીય સંરક્ષણ ટેકનોલોજી અને યુરોપિયન સ્ટાર્ટઅપના પ્રયોગોનું અનોખું મિશન હશે. આ મિશનનું મુખ્ય આકર્ષણ 'અન્વેષા' નામનો ઉપગ્રહ છે, જેને ઈઓસી-એન૧ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતના ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા બનાવવામાં આવેલો 'અન્વેષા' એક હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઇટ છે, જેનું વજન ૧૦૦ થી ૧૫૦ કિલોગ્રામની વચ્ચે છે. આ ઉપગ્રહ માત્ર સામાન્ય કેમેરાની જેમ ફોટા પાડતો નથી, પરંતુ તે વસ્તુઓની આરપાર જોઈ શકે છે. 

સ્પેસ એનાલિસ્ટ ગિરીશ લિંગન્નાના જણાવ્યા મુજબ, "અન્વેષા" સામાન્ય કેમેરાથી ન દેખાતી વિગતો જેમ કે કેમોફલેજ નેટ (જાળી) નીચે છુપાયેલી દુશ્મન ટેન્કો, વનસ્પતિની આડમાં ચાલતી ગેરકાયદે સરહદી પ્રવૃત્તિઓ અને રોગગ્રસ્ત પાકને પણ ઓળખી શકશે. આ ઉપગ્રહ પૃથ્વીથી ૬૦૦ કિલોમીટરની ઊંચાઈએ રહીને સતત ગુપ્ત માહિતી ભારત મોકલશે.

આ મિશનની બીજી એક રોચક વાત તેમાં રહેલું 'કિડ' (કેસ્ટ્રેલ ઈનિશિયલ ડેમોન્સ્ટ્રેટર) છે. સ્પેનના 'ઓર્બિટલ પેરાડાઈમ' નામના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરાયેલું આ ગોળાકાર કેપ્સ્યુલ માત્ર ૨૫ કિલો વજનનું અને ફૂટબોલના કદનું છે. તે કોઈપણ પેરાશૂટ કે પ્રોપલ્શન વિના સેકન્ડના ૭ કિલોમીટરની ઝડપે અને ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરીને પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ (રી-એન્ટ્રી) કરવાનો પ્રયાસ કરશે. જો આ પ્રયોગ સફળ થશે તો યુરોપ પાસે અવકાશમાંથી દવાઓ અને નમૂનાઓ પરત લાવવા માટેનું સસ્તું વાહન ઉપલબ્ધ થશે.

પીએસએલવી-સી૬૨ રોકેટ કુલ ૩૨૦ ટન વજનનું અને ૪૪ મીટર ઊંચું છે. અન્વેષા અને કિડ ઉપરાંત, આ રોકેટ ભારત, મોરેશિયસ, લક્ઝમબર્ગ, યુએઈ, સિંગાપોર, યુરોપ અને અમેરિકાના મળીને કુલ ૧૭ અન્ય નાના ઉપગ્રહો પણ સાથે લઈ જશે.

 

(11:35 AM IST)