News of Thursday, 8th January 2026
કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭: ઈતિહાસમાં પ્રથમવાર નાણા સચિવ વિના બજેટ રજૂ થશે: નાણા મંત્રાલયમાં નવી ટીમ સજ્જ: નાણા મંત્રી નિર્મલા સીતારમણ ૩ નવા સચિવો સાથેની અધિકારીઓની નવી ટીમ સાથે તેમનું નવમું બજેટ રજૂ કરશે
ભૂતપૂર્વ આર્થિક બાબતોના સચિવ અજય શેઠ, જેઓ નાણા સચિવ તરીકે પણ ફરજ બજાવતા હતા: તેઓ ૩૦ જૂન, ૨૦૨૫ના નિવૃત્ત થયા: ત્યારથી આ પદ ખાલી: જોકે, મંત્રાલયના સૂત્રો મુજબ નાણા સચિવની ગેરહાજરીથી બજેટના કામમાં કોઈ અવરોધ આવ્યો નથી

નવી દિલ્હી: આગામી કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ રવિવાર, ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થવાની શક્યતા છે. આ વખતે નાણા મંત્રાલયમાં કોઈ નિયુક્ત 'નાણા સચિવ' નથી, જે એક નવીન બાબત છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અધિકારીઓની નવી ટીમ સાથે તેમનું નવમું બજેટ રજૂ કરશે.
વર્ષ ૨૦૨૬-૨૭ નું કેન્દ્રીય બજેટ પરંપરા મુજબ ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે, જે આ વખતે રવિવારે આવે છે. જોકે, આ વખતના બજેટની તૈયારીઓમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભૂતકાળથી વિપરીત, આ વર્ષે નાણા મંત્રાલયમાં કોઈ 'નાણા સચિવ' (ફાઈનાન્સ સેક્રેટરી) નથી, જે સામાન્ય રીતે મંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવ હોય છે અને બજેટની કામગીરીનું સંકલન કરતા હોય છે.
ભૂતપૂર્વ આર્થિક બાબતોના સચિવ અજય શેઠ, જેઓ નાણા સચિવ તરીકે પણ ફરજ બજાવતા હતા, તેઓ ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ નિવૃત્ત થયા હતા અને ત્યારથી આ પદ ખાલી છે. જોકે, મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા સચિવની ગેરહાજરીથી બજેટના કામમાં કોઈ અવરોધ આવ્યો નથી અને દરેક વિભાગ પોતપોતાની જવાબદારી સંભાળી રહ્યો છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે અધિકારીઓની મોટાભાગે નવી ટીમ સાથે બજેટ તૈયાર કરી રહ્યા છે.
મંત્રાલયમાં ત્રણ સચિવો નવા છે: મહેસૂલ સચિવ (રેવન્યુ સેક્રેટરી) અરવિંદ શ્રીવાસ્તવ, ખર્ચ સચિવ (એક્સપેન્ડિચર સેક્રેટરી) વી. વુઆલનામ અને આર્થિક બાબતોના સચિવ અનુરાધા પ્રસાદ. જોકે, આ તમામ અધિકારીઓ મંત્રાલયમાં અગાઉ વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.
જૂની ટીમમાંથી નાણાકીય સેવાઓના સચિવ એમ. નાગરાજૂ, ડીઆઈપીએએમ સચિવ અરુનિશ ચાવલા અને મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન તેમના હોદ્દા પર ચાલુ છે.
આ ઉપરાંત, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) ના ચેરમેન રવિ અગ્રવાલનો કાર્યકાળ ૩૦ જૂન, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યો છે, જેથી તેઓ નવા આવકવેરા કાયદાના અમલીકરણ પર દેખરેખ રાખી શકે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) માં ૧ ડિસેમ્બર, ૨૦૨૫ થી વિવેક ચતુર્વેદીએ નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
