<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

પંજાબ સરકારના જાહેરાત ખર્ચ અંગે આરટીઆઈમાં થયો ખુલાસો

ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અંગે ડેટા એકત્ર કરાયો: ચોક્કસ નેતાની ઈમેજ બિલ્ડિંગ માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના ઉપયોગ

ગાંધીનગર/ચંડીગઢ:પંજાબ સરકાર દ્વારા ગુજરાતમાં કરવામાં આવતા જાહેરાત ખર્ચ અને મીડિયા પ્લેટફોર્મ્સના ઉપયોગ અંગે આરટીઆઈ (માહિતી અધિકાર) દ્વારા કેટલીક વિગતો સામે આવી છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની ઈમેજ બિલ્ડિંગ માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના ઉપયોગ અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જાહેરાતો પાછળ કરોડોનું બજેટ: સત્તાવાર આરટીઆઈ ડેટા મુજબ, પંજાબ સરકારે જાહેરાતો પાછળ પ્રતિ વર્ષ અંદાજે ૨૫૦ થી ૩૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પંજાબ સરકારે ગુજરાતના સ્થાનિક મીડિયામાં મોટા પાયે જાહેરાતો આપી હતી. હવે આ રણનીતિ ડિજિટલ મીડિયા તરફ વળી હોય તેવું જણાય છે.

યૂટ્યૂબ ચેનલોની વિગતો મેળવવામાં આવી: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંજાબ સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતની લોકપ્રિય યૂટ્યૂબ ચેનલો વિશે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જેમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:

 * ચેનલની માલિકીની વિગતો

 * સબસ્ક્રાઇબર્સ અને ફોલોઅર્સનો ચોક્કસ આંકડો

 * ચેનલની રીચ (પહોંચ) અને દર્શકોની વસ્તીવિષયક વિગતો

આ ડેટા એકત્ર કરવા પાછળનો ઉદ્દેશ્ય ચોક્કસ વ્યૂહરચના હેઠળ એવી ચેનલોને ટાર્ગેટ કરવાનો હોઈ શકે છે, જે ગોપાલ ઈટાલીયા અને પાર્ટીના પક્ષમાં નેરેટિવ સેટ કરી શકે.

આરટીઆઈમાં સામે આવેલી વિગતો બાદ એક રાજ્યના કરદાતાઓના નાણાંનો ઉપયોગ બીજા રાજ્યમાં પ્રચાર અને બ્રાન્ડિંગ માટે કઈ રીતે થઈ રહ્યો છે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

(1:58 PM IST)