News of Thursday, 8th January 2026
અધિકારી હોય તો આવા ! પોતાની જ સરકારી ગાડીને મેમો આપ્યો
પતિની સ્કૂટીને પણ ૩૦૦૦નો દંડ ફટકાર્યો

સિરમૌર, તા.૮: સિરમૌર જિલ્લાના ક્ષેત્રિય પરિવહન અધિકારી સોના ચંદેલે પોતાના વિભાગના સરકારી વાહન (HP ૬૩ C-૭૩૬૫)ને મેમો પકડાવી દીધો, સાથે જ પોતાના પતિની સ્કૂટી (HP ૭૧-૯૦૪૫) પર પણ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવી દંડ લગાવી દીધો. આ જ કારણ છે કે આજે તેમની ઓળખ એક કડક, ઈમાનદાર અને દાખલો બેસાડનારી મહિલા અધિકારી તરીકે બની ચૂકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો ૨૦ ડિસેમ્બર ૨૦૨૫નો છે. આરટીઓ સોના ચંદેલ સવારના સમયે કાલા અંબ વિસ્તારમાં વાહનોના નિયમિત ચેકિંગ પર નીકળ્યા હતા. આ દરમ્યાન બેરિયર સ્ટાફ પણ ખાનગી વાહનોનો ઉપયોગ કરી રહ્યા હતા. તપાસ દરમ્યાન તેમણે કર્મચારીઓ પાસે વાહનોના ડોકયુમેન્ટને લઈને સવાલ કર્યા.
બધા ડોકયુમેન્ટ યોગ્ય હોવાની વાત કહેવાઈ, પણ ત્યારે એક કર્મચારીએ ધીમા અવાજે કહી દીધું, મેડમ, તમારી સરકારી ગાડી (HP ૬૩ C-૭૩૬૫)નું PUC એક્સપાયર થઈ ચૂકયું છે.
આવું સાંભળતા જ હાજર તમામ લોકો ચોંકી ગયા. જ્યારે આરટીઓએ જરા પણ સંકોચ કર્યા વિના પોતાની જ સરકારી ગાડીનું ૫૦૦ રૂપિયાનો મેમો ફાડી નાખ્યો. એટલું જ નહીં, તરત વાહનનું માન્ય PUC પણ બનાવ્યું. જાણકારોનું કહેવું છે કે આ વાત ખાલી જો દેખાડા પૂરતી હોત તો બે અઠવાડિયા પછી સામે ન આવતી.
આ પહેલી વાર નથી, જ્યારે સોના ચંદેલે પોતાના પર જ કાયદો લાગુ કરી દીધો હોય. આ અગાઉ હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ અભિયાન દરમ્યાન પોતાના પતિની સ્કૂટી પર આ પ્લેટ ન જોવા મળી. જાણકારી મળતા જ આરટીઓએ કોઈ પણ રહેમ રાખ્યા વિના ૩૦૦૦ રૂપિયાનો મેમો મેડમના પતિના નામે પકડાવી દીધો.
સૂત્રના જણાવ્યા અનુસાર, આ રકમ બાદમાં મેડમે ખુદ પોતાના ખિસ્સામાંથી કાઢીને આપ્યા હતા. પતિના મેમાનો મામલો ૨૭ મે ૨૦૨૫નો છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
