News of Thursday, 8th January 2026
ભારતીય સેનાના જવાનોની સુરક્ષામાં વધારો: HDFC બેંક સાથેના MoU વધુ 3 વર્ષ માટે રિન્યૂ, હવે મળશે ₹1 કરોડનું વીમા કવચ
અગ્નિવીરથી લઈને પેન્શનરો સુધીના તમામ જવાનોને મળશે રક્ષણ: અકસ્માત વીમો, એર કવર અને બાળકોના શિક્ષણ માટે વિશેષ આર્થિક સહાયની જાહેરાત

નવી દિલ્હી, તા. 08 : દેશની સરહદોનું રક્ષણ કરતા વીર જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ માટે ભારતીય સેનાએ એક મોટું કદમ ઉઠાવ્યું છે. ભારતીય સેના અને ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકે તેમના વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) ને વર્ષ 2029 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ નવીકરણ હેઠળ, સેનાના સેવારત જવાનો, નિવૃત્ત પેન્શનરો અને ખાસ કરીને 'અગ્નિવીરો' ને પણ અત્યાધુનિક બેંકિંગ સુવિધાઓ અને વ્યાપક વીમા સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
આ કરાર માત્ર બેંકિંગ વ્યવહારો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સૈનિકોના પરિવારોને આર્થિક નિશ્ચિંતતા આપનારો છે. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત, મૃત્યુ કે અપંગતા જેવી સ્થિતિ સર્જાય, તો આ કરાર હેઠળ જવાનના પરિવારને મોટું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
જવાનોને મળનારા મુખ્ય લાભો:
· કરોડોનું કવર: તમામ સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે ₹1 કરોડનું પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ (વ્યક્તિગત અકસ્માત વીમો).
· હવાઈ સુરક્ષા: ફરજ દરમિયાન કે પ્રવાસ દરમિયાન વિમાન દુર્ઘટનામાં જાનહાનિ થાય તો ₹1 કરોડનું એર એક્સિડન્ટ કવર.
· શિક્ષણ અને લગ્ન સહાય: શહીદ કે અકસ્માતનો ભોગ બનેલા જવાનના બાળકોના ભવિષ્ય માટે ₹5 લાખનું ચાઈલ્ડ એજ્યુકેશન કવર અને દીકરીના લગ્ન માટે ₹5 લાખની સહાય.
· અગ્નિવીરોનો સમાવેશ: આ યોજનામાં ખાસ કરીને નવી ભરતી થયેલા અગ્નિવીરોને પણ સમાન લાભો સાથે આવરી લેવામાં આવ્યા છે.
ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાથી જવાનોના મનોબળમાં વધારો થશે અને તેમના પરિવારોને એક મજબૂત આર્થિક સુરક્ષા કવચ પ્રાપ્ત થશે. HDFC બેંકે પણ ખાતરી આપી છે કે તેઓ સેનાની જરૂરિયાતોને અનુરૂપ વિશેષ બેંકિંગ સેવાઓ અને ઝડપી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા પૂરી પાડશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
