News of Thursday, 8th January 2026
કર્ણાટકમાં 'જાહેરાત કૌભાંડ'નો આક્ષેપ: જે અખબાર કોઈ વાંચતું નથી તેને સરકારી તિજોરીમાંથી લહાણી, 69% બજેટ એક જ પક્ષીય અખબારને!
ભાજપે ગણાવ્યું 'કરદાતાઓના પૈસાની ખુલ્લી લૂંટ'; મુખ્ય દૈનિકોને સાઇડલાઇન કરી 'નેશનલ હેરાલ્ડ' પર ધનવર્ષા થતા રાજકીય ગરમાવો

બેંગલુરુ, તા. 08 : કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર અત્યારે એક ગંભીર વિવાદના ઘેરામાં આવી ગઈ છે. કોંગ્રેસ સાથે જોડાયેલા અખબાર 'નેશનલ હેરાલ્ડ' ને સરકારી જાહેરાતોના ભંડોળમાં અપ્રમાણસર રીતે મોટો હિસ્સો આપવાના ખુલાસાએ રાજ્યમાં રાજકીય તોફાન ઉભું કર્યું છે. ચોંકાવનારી વિગત એ છે કે, જે અખબારનું કર્ણાટકમાં નહિવત પ્રસાર (Circulation) છે, તેને સ્થાપિત રાષ્ટ્રીય દૈનિકો કરતા પણ અનેકગણી વધુ રકમ ફાળવવામાં આવી છે.
આંકડા શું કહે છે?
પ્રાપ્ત થયેલા દસ્તાવેજો મુજબ, કર્ણાટક સરકારે વર્ષ 2024-25 માં રાષ્ટ્રીય સ્તરના અખબારો માટે કુલ ₹1.42 કરોડનું જાહેરાત બજેટ ફાળવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, તેમાંથી 69 ટકા એટલે કે આશરે ₹99 લાખ માત્ર નેશનલ હેરાલ્ડને આપવામાં આવ્યા હતા. અગાઉના વર્ષ 2023-24 માં પણ આ અખબારને ₹1.90 કરોડની લહાણી કરવામાં આવી હતી.
ભાજપનો આકરો પ્રહાર:
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ ડૉ. સી.એન. અશ્વથ નારાયણે આ ફાળવણીને "જનતાના પૈસાની ખુલ્લી લૂંટ" ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, "જે અખબાર દિલ્હીમાં પણ માંડ વંચાય છે અને કર્ણાટકમાં જેનું અસ્તિત્વ નથી, તેને શા માટે આટલું ફંડ આપવામાં આવ્યું? આ પૈસા વાસ્તવિક જનજાગૃતિ માટે નહીં પણ એક રાજકીય પ્રકાશનને આર્થિક રીતે ટકાવી રાખવા માટે વપરાયા છે."
કોંગ્રેસનો બચાવ: 'આ તો રાષ્ટ્રીય વારસો છે'
બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોનો આક્રમક બચાવ કર્યો છે. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ આ મુદ્દે સવાલ ઉઠાવનારને 'રાષ્ટ્રવિરોધી' ગણાવ્યા હતા. તો પક્ષના નેતા પવન ખેરાએ દલીલ કરી હતી કે, "નેશનલ હેરાલ્ડ એ આઝાદીના સમયનો રાષ્ટ્રીય વારસો છે અને આવી સંસ્થાઓનું રક્ષણ કરવું એ દેશની જવાબદારી છે. જો મીડિયા સંસ્થાને ભંડોળ મળે તો તેમાં ખોટું શું છે?"
વિવાદનું મૂળ:
ટીકાકારોનું કહેવું છે કે સરકારી જાહેરાતો આપવાનો મુખ્ય હેતુ જનતા સુધી માહિતી પહોંચાડવાનો હોય છે. જો અખબારના વાચકો જ ન હોય, તો ત્યાં જાહેરાત આપવાનો કોઈ તર્ક રહેતો નથી. નેશનલ હેરાલ્ડ પહેલેથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસ હેઠળ છે, ત્યારે આ નવા ખુલાસાએ સિદ્ધારમૈયા સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
