<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

બાંગ્લાદેશ: હિન્દુ યુવકને જીવતો સળગાવનાર મુખ્ય આરોપી મૌલવી યાસીન અરાફાતની ધરપકડ, કટ્ટરપંથીઓની ક્રૂરતાનો પર્દાફાશ

ઈશનિંદાના નામે ભીડને ઉશ્કેરી દીપુ દાસને મોતને ઘાટ ઉતારવાનું ભયાનક કાવતરું; બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર અત્યાચારનો દૌર યથાવત, અત્યાર સુધીમાં 21 નરાધમો ઝડપાયા

ઢાકા: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોની હારમાળામાં ગત દિવસોમાં બનેલી દીપુ દાસની નૃસંશ હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ જઘન્ય અપરાધના મુખ્ય સૂત્રધાર અને કટ્ટરપંથી વિચારધારા ધરાવતા યાસીન અરાફાતની પોલીસે ધરપકડ કરી છે. યાસીન અરાફાત પૂર્વ શિક્ષક છે અને સ્થાનિક મસ્જિદમાં ભણાવતો હતો, જેણે પોતાની વગનો ઉપયોગ કરીને નિર્દોષ દીપુ દાસ વિરુદ્ધ ભીડને ઉશ્કેરી હતી.
 પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યાસીન અરાફાતે જ કહેવાતી 'ઈશનિંદા'ના નામે ફેક્ટરીના કામદારો અને સ્થાનિકોને એકઠા કર્યા હતા. 27 વર્ષીય દીપુ દાસ એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા. ઘટનાના દિવસે ફેક્ટરીના સુપરવાઈઝરોએ તેમને બળજબરીથી રાજીનામું અપાવ્યું અને ત્યારબાદ તેમને ફેક્ટરીની બહાર ઉભેલી હિંસક ભીડના હવાલે કરી દીધા હતા.
યાસીન અરાફાતે પોતે દીપુ દાસને ઢસડીને ચાર રસ્તા સુધી લઈ ગયો હતો, જ્યાં ભીડે તેમને બેરહેમીથી માર માર્યો અને ત્યારબાદ ઝાડ સાથે લટકાવીને જીવતા સળગાવી દીધા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં દીપુના પોતાના સહકર્મીઓ પણ સામેલ હતા તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
 મેમનસિંહ જિલ્લામાં 18 ડિસેમ્બરે બનેલી આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં બાંગ્લાદેશની સરકારની ટીકા થઈ રહી છે. યાસીન અરાફાતની ધરપકડ બાદ આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા 21 પર પહોંચી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હિંસા પાછળ અન્ય કયા મોટા સંગઠનો કે નેતાઓનો હાથ છે.
 દીપુ દાસની હત્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકી નથી. તાજેતરના અહેવાલો મુજબ:
રાજબારીમાં અમૃત મંડળની ભીડે પીટી-પીટીને હત્યા કરી.
શરીયતપુરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેપારી ખોકન ચંદ્ર દાસને ચાકુ મારી જીવતા સળગાવી દેવાયા.
જશોરમાં અખબારના સંપાદક રાણા પ્રતાપની ગોળી મારીને હત્યા કરવામાં આવી.
આ સતત વધી રહેલી હિંસાને કારણે બાંગ્લાદેશમાં વસતા હિન્દુ પરિવારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(8:22 PM IST)