<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

બંગાળના રણમેદાનમાં મમતાનો મિજાજ: "તમે અમારા કાગળો અને વ્યૂહરચના લૂંટો છો, બંગાળમાં ભાજપ શૂન્ય થઈ જશે" – અમિત શાહ પર દીદીનો સીધો પ્રહાર

I-PAC ઓફિસ પર ED ના દરોડા બાદ મમતા બેનર્જી રુદ્રાવતારમાં; પ્રધાનમંત્રીને કરી અપીલ- "તમારા ગૃહમંત્રીને કાબૂમાં રાખો", બંગાળમાં લોકશાહી બચાવવા છેલ્લી પાટલી સુધી લડવાની આપી ચેતવણી

કોલકાતા:પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય સલાહકાર કંપની I-PAC અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન સહિતના અનેક સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલચોળ થઈ ગયા છે. દીદી માત્ર દરોડાના સ્થળે જ ન પહોંચ્યા, પરંતુ તેમણે ભાજપ અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા તેવર બતાવતા બંગાળમાં ભાજપનું ભવિષ્ય 'શૂન્ય' હોવાની ભવિષ્યવાણી કરી દીધી છે.
જ્યારે ED ની ટીમ સોલ્ટ લેક સ્થિત I-PAC ના કાર્યાલયમાં તપાસ કરી રહી હતી, ત્યારે મમતા બેનર્જી પોતે ત્યાં પહોંચી ગયા હતા. પત્રકારોના પ્રશ્નોથી નારાજ થઈને તેમણે માઈક્રોફોન હટાવી દીધા અને સીધો આરોપ લગાવ્યો કે, "ભાજપ અમારી આંતરિક વ્યૂહરચના, દસ્તાવેજો અને ઉમેદવારોની વિગતો ચોરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. તેઓ ચૂંટણી મેદાનમાં લડવાને બદલે લૂંટ કરી રહ્યા છે."
 મમતા બેનર્જીએ ભાજપ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સેંકડો સોશિયલ મીડિયા હેન્ડલ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે, "જો તમે અમને હેરાન કરશો તો હવે લડાઈ મેદાનમાં થશે. અમે લોકશાહી રીતે આ અત્યાચારનો જવાબ આપીશું. તમે 15 મિલિયનથી વધુ મતદારોના નામ યાદીમાંથી હટાવ્યા છે, આ લોકશાહીની હત્યા છે."
કોલસા કૌભાંડના પૈસાના ઉપયોગ અંગેના પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે, આ કૌભાંડના પૈસા તો અમિત શાહ અને સુવેન્દુ અધિકારીએ વાપર્યા છે, જો ED માં હિંમત હોય તો તેમના ઘરે દરોડા પાડીને બતાવે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ નોબેલ વિજેતા અમર્ત્ય સેન અને પ્રખ્યાત કવિ જોય ગોસ્વામી જેવી સાસ્કૃતિક હસ્તીઓને પણ હેરાન કરી રહી છે, જે બંગાળ ક્યારેય સહન નહીં કરે.
આ દરોડાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસે આજે સાંજે બંગાળના દરેક બ્લોકમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. TMC નું માનવું છે કે ભાજપ આગામી ચૂંટણીઓમાં જીતવા માટે ડરના માર્યા ED ને હથિયાર બનાવી રહી છે. દીદીએ પીએમ મોદીને સંબોધતા કહ્યું કે, "શ્રીમાન પ્રધાનમંત્રી, તમારે તમારા ગૃહમંત્રીને નિયંત્રિત કરવા જોઈએ, નહીં તો જનતા તમને પાઠ ભણાવશે."

(8:25 PM IST)