<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર? અમેરિકાએ રશિયન ઓઈલ ટેન્કર જપ્ત કરતા પુતિન લાલઘૂમ, માદુરોની ધરપકડ બાદ સ્થિતિ વિસ્ફોટક

ઉત્તર એટલાન્ટિકમાં યુએસ નેવીના દરોડા: 'ઘોસ્ટ ફ્લીટ' ગણાતા મરીનેરા જહાજને કબજે કરાયું; રશિયાએ પરમાણુ સબમરીન તૈનાત કરી અમેરિકાને આપી ગંભીર પરિણામોની ચેતવણી

મોસ્કો: વિશ્વ અત્યારે એક ભયાનક સૈન્ય સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું હોય તેવા એંધાણ મળી રહ્યા છે. ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં સ્કોટલેન્ડ અને આઇસલેન્ડ વચ્ચે રશિયન ધ્વજ ધરાવતા તેલ ટેન્કર 'મરીનેરા' ને અમેરિકન કોસ્ટ ગાર્ડ અને નેવી દ્વારા જપ્ત કરવામાં આવતા મોસ્કો અને વોશિંગ્ટન સામસામે આવી ગયા છે. રશિયાએ આ ઘટનાને 'આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી' ગણાવી છે, જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે આ જહાજ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી વેનેઝુએલાનું તેલ સપ્લાય કરવામાં સામેલ હતું.
આ તણાવ ત્યારે વધુ વણસ્યો જ્યારે અમેરિકન સ્પેશિયલ ફોર્સે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની કરાકાસમાંથી ધરપકડ કરી. હાલમાં તેઓ ન્યૂયોર્કની જેલમાં ડ્રગ ટ્રાફિકિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માદુરો સરકારના નજીકના સાથી હોવાથી આ ધરપકડને રશિયાએ પોતાના ગૌરવ પર પ્રહાર ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ સીધી ચેતવણી આપતા કહ્યું છે કે, "હું પુતિનની હરકતોથી ખુશ નથી, તે ઘણા નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર છે."
અહેવાલો મુજબ, રશિયાએ તેના ટેન્કરને બચાવવા માટે એટલાન્ટિકમાં સબમરીન અને યુદ્ધ જહાજો રવાના કર્યા હતા. જોકે, અમેરિકન દળોએ કોઈ પણ અવરોધ વિના જહાજ પર કબજો મેળવી લીધો હતો. રશિયાના વિદેશ મંત્રાલયે માંગ કરી છે કે તેમના નાગરિકો (ક્રૂ મેમ્બર્સ) ને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. રશિયાએ ચેતવણી આપી છે કે જો તેમના નાગરિકો સાથે ગેરવર્તન થશે, તો તેના ગંભીર સૈન્ય પરિણામો અમેરિકાએ ભોગવવા પડશે.
અમેરિકાના મતે, મરીનેરા (જેનું અગાઉનું નામ બેલા-1 હતું) એક 'શેડો ફ્લીટ'નો ભાગ છે. આ એવા જહાજો છે જે રશિયા, ઈરાન અને વેનેઝુએલા જેવા દેશો પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને તોડવા માટે ગુપ્ત રીતે તેલનું પરિવહન કરે છે. આ જહાજો પકડાય નહીં તે માટે વારંવાર પોતાના નામ, ધ્વજ અને લોકેશન ટ્રેકર બદલતા રહે છે. 'મરીનેરા' ઉપરાંત 'સોફિયા' નામના બીજા ટેન્કરને પણ 20 લાખ બેરલ તેલ સાથે જપ્ત કરવામાં આવ્યું છે.
આર્થિક પ્રતિબંધો હવે સીધા સૈન્ય ટકરાવમાં બદલાઈ રહ્યા છે, જે નિષ્ણાતોના મતે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી બની શકે છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે એટલાન્ટિકના સમુદ્રી માર્ગો પર ટકેલી છે.

(8:25 PM IST)