News of Thursday, 8th January 2026
AMU માં 'શિક્ષણ' કે 'શોષણ'? હિન્દુ મહિલા પ્રોફેસરનો 27 વર્ષનો કારમો અનુભવ, "માત્ર હિન્દુ હોવાને કારણે મને જીવતી લાશ બનાવી દીધી"
પોલિટિકલ સાયન્સ વિભાગના ડીન પર સાંપ્રદાયિક ટિપ્પણી અને માનસિક ત્રાસના ગંભીર આરોપ; ગર્ભાવસ્થામાં પણ આરામ ન મળતા જોડિયા બાળકો ગુમાવ્યાની હૃદયદ્રાવક આપવીતી

અલીગઢ :ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠિત ગણાતી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન વિભાગના વરિષ્ઠ પ્રોફેસર રચના કૌશલે વહીવટીતંત્ર સામે જે આરોપો લગાવ્યા છે, તેણે શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રોફેસર કૌશલના જણાવ્યા મુજબ, તેઓ 1998 થી એટલે કે છેલ્લા 27 વર્ષથી માત્ર તેમની ધાર્મિક ઓળખના કારણે વ્યવસ્થિત રીતે સતામણીનો ભોગ બની રહ્યા છે.
પ્રોફેસર રચના કૌશલે સીધો આરોપ લગાવ્યો છે કે વિભાગના વડા (HOD) અને ડીન પ્રોફેસર મોહમ્મદ નફીસ અહેમદ અંસારી તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે. તેમણે વાઇસ ચાન્સેલરને સોંપેલા ફરિયાદ પત્રમાં પુરાવા તરીકે ઓડિયો રેકોર્ડિંગ અને ટ્રાન્સક્રિપ્ટ પણ રજૂ કર્યા છે. પ્રોફેસરના મતે, તેમને વારંવાર સાંપ્રદાયિક ટોણા મારવામાં આવે છે અને વરિષ્ઠ હોવા છતાં મહત્વપૂર્ણ બેઠકો તેમજ જવાબદારીઓથી જાણીજોઈને દૂર રાખવામાં આવે છે.
આ કેસમાં સૌથી હૃદયદ્રાવક પાસું એ છે કે પ્રોફેસર કૌશલે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પણ આકરી મહેનત કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે માંદગી અને પ્રેગ્નન્સીના નાજુક તબક્કે પણ તેમને રજા કે રાહત આપવામાં આવી નહોતી, જેના અત્યંત માનસિક તણાવને કારણે તેમણે પોતાના જોડિયા બાળકોનો ગર્ભપાત (Miscarriage) સહન કરવો પડ્યો હતો.
પ્રોફેસર રચનાએ કહ્યું, "મેં વર્ષો સુધી આ બધું સહન કર્યું કારણ કે મારે અહીં જ ભણાવવાનું હતું અને હું વિવાદોથી બચવા માંગતી હતી. પરંતુ હવે પાણી માથા પરથી જતું રહ્યું છે. ડીન અને અન્ય સત્તાધિશોનું વર્તન એટલું ભેદભાવપૂર્ણ બની ગયું છે કે હવે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે." તેમણે ડીનને પદ પરથી હટાવવા અને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
યુનિવર્સિટી જેવી જગ્યાએ જ્યાં લોકશાહી અને સમાનતાના પાઠ ભણાવવામાં આવે છે, ત્યાં જ એક વરિષ્ઠ પ્રોફેસર સાથે દાયકાઓ સુધી આવો વ્યવહાર થયો હોવાના આક્ષેપથી AMU ની કાર્યપ્રણાલી અને માનસિકતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
