News of Thursday, 8th January 2026
ભારતીય સેનાનું 'બ્રહ્માસ્ત્ર' બનશે આ ડ્રોન: આકાશની પેલે પારથી દુશ્મનનો ખુરદો બોલાવશે, રડાર પણ પકડી શકશે નહીં આ 'અદ્રશ્ય' શિકારીને!
લખનૌના ત્રણ યુવાનોએ બનાવી 'કલામ લેબ્સ': શાર્ક ટેન્ક ઇન્ડિયામાં અમન ગુપ્તાએ ₹2 કરોડનું રોકાણ કરી જીતી બાજી; સેના પાસેથી ₹150 કરોડના ઓર્ડરની આશા

લખનૌ:ભારત હવે માત્ર બીજા દેશોની ટેકનોલોજી પર નિર્ભર નથી, પરંતુ પોતે 'ફ્યુચરિસ્ટિક' હથિયારો બનાવી રહ્યું છે. લોકપ્રિય બિઝનેસ શો 'શાર્ક ટેન્ક ઈન્ડિયા 5' માં તાજેતરમાં લખનૌ સ્થિત ડિફેન્સ-ટેક સ્ટાર્ટઅપ 'કલામ લેબ્સ' એ એક એવું 'નિયર સ્પેસ વિહીકલ' રજૂ કર્યું છે જે યુદ્ધના મેદાનના સમીકરણો બદલી શકે છે. આ એક એવું ડ્રોન છે જે અવકાશની એકદમ નજીક એટલે કે ઊર્ધ્વમંડળમાં રહીને દુશ્મન પર બાજ નજર રાખે છે અને જરૂર પડ્યે સચોટ હુમલો પણ કરી શકે છે.
રડાર માટે અદ્રશ્ય અને મિસાઈલ માટે નિષ્ફળ: આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કદમાં ગરુડ જેવું નાનું છે અને તેમાં કોઈ થર્મલ એન્જિન નથી. એન્જિન ન હોવાને કારણે તે ગરમી છોડતું નથી, પરિણામે દુશ્મનની 'થર્મલ ડિટેક્શન મિસાઈલો' તેને શોધી શકતી નથી. વળી, તેનું નાનું કદ અને સ્પેસની નજીકની ઊંચાઈ તેને રડાર અને એન્ટી-ડ્રોન સિસ્ટમથી સુરક્ષિત રાખે છે. તે ફાઈટર જેટની જેમ હુમલો કરી શકે છે અને તેની ચોકસાઈ માત્ર 0.2 મીટરની છે, જે તેને અત્યંત ઘાતક બનાવે છે.
BITS પિલાનીના મિત્રોની કમાલ: અહેમદ ફરાઝ, શક્તિ ત્રિપાઠી અને હર્ષિત અવસ્થી નામના ત્રણ મિત્રોએ BITS પિલાનીમાં અભ્યાસ દરમિયાન આ સપનું જોયું હતું. તેમણે શરૂઆતમાં સ્પેસ એજ્યુકેશન પ્લેટફોર્મ બનાવ્યું અને અંતે સંરક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે કલામ લેબ્સની સ્થાપના કરી. તેમણે ઋત્વિક રોશનની ફિલ્મ સાથે ભાગીદારી કરીને ભારતીય ત્રિરંગો પણ અવકાશમાં મોકલ્યો હતો. આ સ્ટાર્ટઅપ અત્યાર સુધીમાં 60 થી વધુ સફળ લોન્ચિંગ કરી ચૂક્યું છે.
શાર્ક્સ વચ્ચે જામી જંગ, અમન ગુપ્તાએ મારી બાજી: શોમાં સ્થાપકોએ ₹300 કરોડના વેલ્યુએશન પર ફંડ માંગ્યું હતું. અનુપમ મિત્તલ, નમિતા થાપર અને અમન ગુપ્તા વચ્ચે આ સ્ટાર્ટઅપમાં જોડાવા માટે જોરદાર સ્પર્ધા થઈ હતી. અંતે, બોટના સ્થાપક અમન ગુપ્તાએ 1.25% ઈક્વિટીના બદલામાં ₹2 કરોડનું રોકાણ કરીને આ ડીલ ફાઈનલ કરી હતી.
કંપની અત્યારે ભારતીય સેના સાથે ચર્ચામાં છે અને આશરે ₹150 કરોડના સંભવિત ઓર્ડરની અપેક્ષા રાખી રહી છે. સ્થાપકોનું લક્ષ્ય ભારતની 'લોકહીડ માર્ટિન' જેવી દુનિયાની સૌથી મોટી ડિફેન્સ કંપની બનાવવાનું છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
