<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

બંગાળમાં 'દીદી'નો શંખનાદ: I-PAC પર EDના દરોડા સામે મમતા બેનર્જી આવતીકાલે રસ્તા પર ઉતરશે, કોલકાતામાં વિરાટ પદયાત્રાનું એલાન

ચૂંટણી વ્યુહરચના અને ડિજિટલ ડેટાની 'ચોરી' કરવાનો કેન્દ્ર પર આક્ષેપ; જાધવપુરથી હઝરા સુધી મમતા બેનર્જી પોતે કરશે કૂચનું નેતૃત્વ, બંગાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય એજન્સીઓના દરોડાએ ફરી એકવાર રાજકીય જંગ છેડી દીધો છે. રાજકીય સલાહકાર કંપની I-PAC ના કાર્યાલય અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી એ હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે. આવતીકાલે એટલે કે શુક્રવારે દીદી પોતે કોલકાતાની સડકો પર ઉતરીને આ 'રાજકીય વેરઝેર' સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી શુક્રવારે બપોરે 2 વાગ્યે જાધવપુર 8-B બસ સ્ટેન્ડથી હઝરા ક્રોસિંગ સુધી એક વિશાળ પદયાત્રા કાઢશે. આ કૂચ દ્વારા TMC એવો સંદેશ આપવા માંગે છે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને બંગાળના લોકતાંત્રિક અવાજને દબાવી શકશે નહીં.
 દરોડા દરમિયાન પ્રતીક જૈનના ઘરે અચાનક પહોંચેલા મમતા બેનર્જીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, "ED માત્ર તપાસ નથી કરી રહી, પરંતુ અમારી પાર્ટીની ચૂંટણી વ્યૂહરચના સાથે જોડાયેલા આંતરિક દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અત્યંત સંવેદનશીલ ડિજિટલ ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે." તેમણે આરોપ લગાવ્યો કે વિધાનસભા ચૂંટણી પહેલા શાસક પક્ષને ડરાવવા અને તેની રણનીતિને નબળી પાડવા માટે જ કેન્દ્રના ઈશારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે I-PAC કંપની તૃણમૂલ કોંગ્રેસ માટે રાજકીય વ્યૂહરચના ઘડવાનું, સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનું અને ઉમેદવારોના પસંદગી પ્રક્રિયામાં ડેટા વિશ્લેષણનું મહત્વનું કામ કરે છે. ગુરુવારે સવારે શરૂ થયેલી આ શોધખોળને કારણે બંગાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
મુખ્યમંત્રીએ આ દરોડાને "પજવણી" ગણાવતા કહ્યું કે, બંગાળની જનતા આ અન્યાયનો જવાબ આપશે. હવે શુક્રવારની આ પદયાત્રામાં કેટલી મેદની ઉમટે છે અને મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર કેવા પ્રહારો કરે છે, તેના પર સમગ્ર દેશની નજર રહેશે.


 

(9:44 PM IST)