હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આદિમાનવો ૬૦,૦૦૦ વર્ષ પહેલાં શિકાર માટે ‘ઝેરી તીર’ વાપરતા: દ. આફ્રિકામાં મળ્યા ઐતિહાસિક પુરાવા
દક્ષિણ આફ્રિકાની ગુફામાંથી મળેલા પથ્થરના હથિયારો પર ઝેરી વનસ્પતિના અંશે મળી આવ્યા આદિમાનવો ઝેર બનાવવાની જટિલ પ્રક્રિયાથી પરિચિત હતા તેવો પુરાતત્વવિદોનો દાવો ‘પોઈઝન બલ્બ’ નામની વનસ્પતિનો ઉપયોગ કરીને ઘાતક હથિયારો બનાવાતા હતા

નવી દિલ્હી/જ્હોનિસબર્ગ: માનવ સભ્યતાના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. પુરાતત્વવિદોએ દાવો કર્યો છે કે આધુનિક માનવો (હોમો સેપિયન્સ) આશરે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ વર્ષ પહેલાં જ શિકાર માટે ઝેરી તીરનો ઉપયોગ કરતા શીખી ગયા હતા. અત્યાર સુધી માત્ર અનુમાન હતું, પરંતુ હવે દક્ષિણ આફ્રિકામાંથી મળેલા પથ્થરના હથિયારો પરથી ઝેરના રાસાયણિક પુરાવા મળી આવ્યા છે, જે આદિમાનવોની ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા સાબિત કરે છે.
દક્ષિણ આફ્રિકાની ગુફામાંથી મળ્યા પુરાવા
‘સાયન્સ એડવાન્સિસ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સંશોધકોને દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં આવેલી ઉમ્હલાતુઝાના રોક શેલ્ટર (ગુફા) માંથી પથ્થરના નાના અણીદાર ટુકડાઓ (માઈક્રોલિથ્સ) મળ્યા હતા. સ્ટોકહોમ યુનિવર્સિટી અને જોહાનિસબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ પથ્થરોનું રાસાયણિક વિશ્લેષણ કરતા તેમાંથી ઝેરી પદાર્થોના અવશેષો મળી આવ્યા હતા.
‘પોઈઝન બલ્બ’નો ઉપયોગ
વૈજ્ઞાનિકોને તપાસ દરમિયાન પાંચ જેટલા તીરના ટેરવાઓ પર ‘બૂફોન ડિસ્ટિચા’ (જે સામાન્ય રીતે ‘પોઈઝન બલ્બ’ અથવા ‘ગિફબોલ’ તરીકે ઓળખાય છે) નામની વનસ્પતિના ઝેરી તત્વો મળી આવ્યા હતા. આ વનસ્પતિના મૂળમાંથી નીકળતું પ્રવાહી અત્યંત ઝેરી હોય છે.
સંશોધકોના મતે, આ ઝેર એટલું ઘાતક હોય છે કે તે ઉંદર જેવા નાના પ્રાણીને અડધા કલાકમાં મારી શકે છે, જ્યારે મનુષ્યોમાં તે ઉબકા, શ્વાસમાં રૂકાવટ અને લખવો લાવી શકે છે.
બૌદ્ધિક વિકાસનો પુરાવો
જોહાનિસબર્ગ યુનિવર્સિટીના પુરાતત્વવિદ માર્લિઝ લોમ્બાર્ડના જણાવ્યા અનુસાર, "ઝેરી તીર બનાવવા એ કોઈ સામાન્ય કામ નહોતું. તે એક જટિલ રસોઈ બનાવવાની રેસીપી જેવું હતું."
આદિમાનવોએ આ ઝેરી વનસ્પતિ શોધવી પડતી, તેને પ્રોસેસ કરવી પડતી અને પોતે ઝેરનો ભોગ બન્યા વગર તેને તીર પર લગાવવું પડતું હતું. આ સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે કે તે સમયના માનવો આયોજન, વ્યૂહરચના અને કારણ-અસર (કોઝ એન્ડ ઈફેક્ટ) સમજવાની શક્તિ ધરાવતા હતા.
નાના હથિયારો પણ બન્યા ઘાતક
સંશોધકોએ નોંધ્યું છે કે તે સમયગાળામાં મળેલા પથ્થરના હથિયારો કદમાં ખૂબ નાના હતા. માત્ર આ પથ્થરોથી મોટા પ્રાણીનો શિકાર કરવો મુશ્કેલ હતો, તેથી આદિમાનવોએ શિકારને જલ્દી મારવા માટે હથિયારો પર ઝેર લગાવવાની તકનીક વિકસાવી હતી. આ શોધ માનવ ઉત્ક્રાંતિ અને બુદ્ધિના વિકાસને સમજવામાં ખૂબ જ મહત્વની સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
