<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ઈરાનમાં સરકાર વિરોધી આંદોલન વકરતું જાય છે: તેહરાન સહિત ૫૦ શહેરોમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ, જનજીવન ઠપ્પ

ઈરાનમાં સરકાર સામેનો વિરોધ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આંદોલનને કચડી નાખવા માટે સરકારે રાજધાની તેહરાન અને અન્ય ૫૦ શહેરોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણોના અહેવાલો મળી રહ્યા છે.

 

ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે ગંભીર અને હિંસક વળાંક લીધો છે. દેશના ખૂણેખૂણે ફેલાયેલી આ વિરોધની આગને ઠારવા માટે સત્તાવાળાઓએ દમનકારી નીતિ અપનાવી છે. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજધાની તેહરાન સહિત દેશના અંદાજે ૫૦ થી વધુ પ્રમુખ શહેરોમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવી છે. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટને કારણે ઈરાનની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર દુનિયા સુધી પહોંચી શકતો નથી, જેના કારણે અંદરખાને ગંભીર માનવાધિકાર હનન થઈ રહ્યાની આશંકા સેવાઈ રહી છે.

 

વૈશ્વિક ઇન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા 'નેટબ્લોક્સ'ના રિપોર્ટ મુજબ, ગુરુવારે રાત્રે જ અનેક મોબાઈલ અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર્સના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ખાસ કરીને કુર્દિશ બહુલ વિસ્તારના ચાર મહત્વના પ્રાંતો - કુર્દિસ્તાન, પશ્ચિમ અઝરબૈજાન, કરમાનશાહ અને ઈલમમાં સ્થિતિ અત્યંત તંગ છે. અહીં બજારો અને વેપાર-ધંધા સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા (અને અત્યારે બ્લોક થયેલા) કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે સાદા ગણવેશમાં સજ્જ સુરક્ષાકર્મીઓ દેખાવકારોની અટકાયત કરી રહ્યા છે અને રસ્તાઓ પર ભયનો માહોલ છે. સંપર્ક તૂટી જવાને કારણે લોકો પોતાના પરિવારજનોની ખબર પણ કાઢી શકતા નથી.

(11:04 AM IST)