<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

લાલુ પરિવારને ઝટકોઃ કોર્ટે તેજસ્‍વી-તેજ પ્રતાપ સહિત આખા પરિવાર સામે ગુનાહિત કાવતરાના આરોપો ઘડયા!

રાઉઝ એવન્‍યુ કોર્ટની આકરી ટિપ્‍પણીઃ યાદવ પરિવારે ગુનાહિત સિન્‍ડિકેટ ચલાવી જમીનના બદલામાં લહાણી કરીઃ તમામ સભ્‍યોએ જેલ જવું પડશે?

પટણા, તા.૯: રેલવેમાં જમીનના બદલામાં નોકરી આપવાના કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર કાયદાનો ગાળિયો મજબૂત રીતે કસાયો છે. દિલ્‍હીની રાઉઝ એવન્‍યુ કોર્ટે આજે સીબીઆઈના કેસમાં લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ મુખ્‍યમંત્રી રાબડી દેવી, પૂર્વ ડેપ્‍યુટી સીએમ તેજસ્‍વી યાદવ, તેજ પ્રતાપ યાદવ તેમજ તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ સામે વિધિવત રીતે ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના આરોપો ઘડી કાઢયા છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્‍યું છે કે આ પરિવારે એક સુનિયોજિત સિન્‍ડિકેટ તરીકે કામ કર્યું હતું અને પાયાની જરૂરિયાત એવી નોકરી આપવાના બહાને ગરીબ લોકો પાસેથી કિંમતી જમીનો પોતાના નામે કરાવી લીધી હતી.

કોર્ટના આ આદેશ સાથે જ હવે આ કેસમાં ટ્રાયલ ઝડપથી આગળ વધશે. આરોપ છે કે જ્‍યારે લાલુ પ્રસાદ રેલવે મંત્રી હતા, ત્‍યારે તેમણે શોર્ટકટ અપનાવીને યોગ્‍ય પ્રક્રિયા વગર અનેક લોકોને ગ્રુપ-ડીમાં નોકરીઓ આપી હતી અને તેના વળતર તરીકે તે ઉમેદવારોના પરિવાર પાસેથી જમીનો પચાવી પાડી હતી. આ જમીનો લાલુની પત્‍ની અને બાળકોના નામે બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે ટ્રાન્‍સફર કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્‍યું છે કે આ કૌભાંડમાં સામેલ ૫૨ લોકોને નિર્દોષ જાહેર કરાયા છે, જ્‍યારે ૫ લોકોના મોત થઈ ચૂકયા છે, પરંતુ હવે લાલુ પરિવાર સહિત કુલ ૪૧ લોકો સામે સીધો મુકદ્દમો ચલાવવામાં આવશે.

આ ઘટનાક્રમ બાદ બિહારમાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. વિરોધ પક્ષો હવે લાલુ પરિવારના રાજીનામા અને જેલવાસની માંગ કરી રહ્યા છે, જ્‍યારે આરજેડીએ તેને કેન્‍દ્ર સરકારનું રાજકીય કાવતરું ગણાવ્‍યું છે. જોકે, કોર્ટની ટિપ્‍પણીઓ લાલુ પરિવાર માટે ચિંતાજનક છે, કારણ કે કોર્ટે વિનિમય પ્રણાલીના પુરાવાઓને પ્રાથમિક દ્રષ્ટિએ મજબૂત ગણ્‍યા છે. ૨૦૨૬ ના વર્ષની આ સૌથી મોટી કાનૂની કાર્યવાહી માનવામાં આવી રહી છે, જે આગામી ચૂંટણીઓમાં બિહારના જનમત પર પણ મોટી અસર પાડી શકે છે. જો આરોપો સાબિત થશે, તો લાલુ પરિવારના ઘણા સભ્‍યોને જેલની હવા ખાવી પડી શકે છે

(1:28 PM IST)