હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક આર્થિક વમળમાં ફસાયું ભારત: સરકારી માલિકીના રોકાણકારોનો ફંડ પ્રવાહ ૭૦% ઘટ્યો, ગલ્ફ દેશોએ પણ રોકાણ પર લગાવી બ્રેક
વિશ્વભરના સોવરિન વેલ્થ ફંડ્સ હવે અમેરિકા તરફ વળ્યા; ૨૦૨૫માં ભારતનો હિસ્સો ૯.૫% થી ઘટીને માત્ર ૨% રહ્યો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI પાછળ બદલાયું રોકાણનું ગણિત

દુબઈ: તા.૦૯: ભારત જે અત્યાર સુધી વૈશ્વિક રોકાણકારો માટે 'હોટ ફેવરિટ' ગણાતું હતું, ત્યાં હવે વિદેશી સરકારી ભંડોળનો પ્રવાહ સુકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ ૨૦૨૫ના તાજેતરના ડેટા મુજબ, ભારતમાં સોવરિન વેલ્થ ફંડ્સ (SWFs) અને પબ્લિક પેન્શન ફંડ્સ દ્વારા કરવામાં આવતા રોકાણમાં ૭૦% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક અસ્થિરતા અને વધતા વ્યાજ દરોને કારણે મોટા રોકાણકારો હવે ઉભરતા બજારોને બદલે વિકસિત અર્થતંત્રો તરફ પોતાની મૂડી ખસેડી રહ્યા છે.
આંકડામાં આંચકો: ૨૦ અબજ ડોલરથી સીધા ૫ અબજ પર
વર્ષ ૨૦૨૪માં ભારતમાં આ રોકાણકારોએ કુલ $૨૦.૧ બિલિયનનું રોકાણ કર્યું હતું, જે ૨૦૨૫માં ઘટીને માત્ર $૫.૭ બિલિયન પર આવી ગયું છે. ખાસ કરીને ગલ્ફ દેશો (ખાડી દેશો) જે ભારતમાં મોટા પાયે રોકાણ કરતા હતા, તેમનું રોકાણ પણ ત્રીજા ભાગનું થઈ ગયું છે. એક સમયે વૈશ્વિક રોકાણના હિસ્સામાં ભારતનો દબદબો ૯.૫% હતો, જે હવે ઘટીને માત્ર ૨% પર આવી પહોંચ્યો છે.
અમેરિકા બન્યું નવું આકર્ષણનું કેન્દ્ર
ગ્લોબલ SWF ના રિપોર્ટ અનુસાર, વિશ્વભરના મોટા ફંડ્સ હવે અમેરિકા તરફ ધસી રહ્યા છે. ૨૦૨૫માં કુલ વૈશ્વિક રોકાણ ૩૨% વધીને $૨૭૮ બિલિયન થયું હતું, પરંતુ તેમાંથી લગભગ અડધો-અડધ હિસ્સો ($૧૩૨ બિલિયન) એકલું અમેરિકા ખેંચી ગયું છે. રોકાણકારો હવે પરંપરાગત ક્ષેત્રોને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રસ દાખવી રહ્યા છે.
ગલ્ફ જાયન્ટ્સની પીછેહઠ
અબુ ધાબીની ADIA એ ૨૦૨૪માં ભારતમાં $૨.૧૯ બિલિયન ઠાલવ્યા હતા, જે ૨૦૨૫માં ઘટીને માત્ર $૯૧૬ મિલિયન રહી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, મુબાદલા અને કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવી જાયન્ટ કંપનીઓએ ૨૦૨૫માં ભારતમાં કોઈ નવું રોકાણ કર્યું જ નથી. જોકે, ગિફ્ટ સિટી (GIFT City) અને PLI જેવી યોજનાઓ દ્વારા ભારત હજુ પણ લાંબા ગાળાની મૂડી આકર્ષવા માટે પ્રયત્નશીલ છે.
નિષ્ણાતોનું મંતવ્ય
ગ્લોબલ SWF ના ડિરેક્ટર ડિએગો લોપેઝના જણાવ્યા મુજબ, ભારતમાં વિદેશી ભંડોળ આકર્ષવાની ક્ષમતા તો છે જ, પરંતુ તેના માટે મજબૂત સ્થાનિક ભાગીદારો અને કાર્યક્ષમ તકોની જરૂર છે. ગિફ્ટ સિટીમાં ઓફિસો ખોલવી એ માત્ર શરૂઆત છે, હવે તેને વાસ્તવિક રોકાણમાં બદલવા માટે ઝડપી પગલાંની જરૂર પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
