હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અબજો ડોલરના સાયબર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ 'ચેન ઝી' આખરે પાંજરે પુરાયો: પિકાસોની પેઈન્ટિંગથી લઈ પ્રાઈવેટ જેટ સુધીની લક્ઝરી લાઈફનો આવ્યો કરુણ અંત
માત્ર ૨૭ વર્ષની ઉંમરે ગુનાહિત સામ્રાજ્ય ઉભું કરનાર ચીની-કંબોડિયન ટાયકૂનનું નાટકીય પતન; ચીને બેડીઓ પહેરાવી સ્પેશિયલ ફ્લાઈટમાં પ્રત્યાર્પણ કર્યું

નોમ પેન્હ (કંબોડિયા), તા. ૦૯ : દુનિયાભરના કાયદા અમલીકરણ એજન્સીઓ જેની શોધમાં હતી તેવો ૨૭ વર્ષીય યુવાન ઉદ્યોગપતિ ચેન ઝી આખરે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. ચીન અને કંબોડિયાની સંયુક્ત તપાસ બાદ ચેન ઝીની ધરપકડ કરવામાં આવી છે અને તેને ચીન મોકલી દેવાયો છે. આ ઘટનાએ એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનોમાંના એક ગણાતા 'પ્રિન્સ ગ્રુપ'ના સામ્રાજ્યને હચમચાવી દીધું છે.
રિયલ એસ્ટેટની આડમાં ક્રિપ્ટો કૌભાંડનો ખેલ
ચેન ઝીએ સ્થાપેલું પ્રિન્સ ગ્રુપ ઉપરથી તો બેન્કિંગ, એરલાઇન્સ અને રિયલ એસ્ટેટના કાયદેસરના વ્યવસાયો ધરાવતું હતું, પરંતુ યુએસ પ્રોસિક્યુટર્સના મતે તેની અસલી કમાણી 'ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી' દ્વારા આવતી હતી. ૩૦ થી વધુ દેશોમાં ફેલાયેલા આ જાળ દ્વારા દુનિયાભરના હજારો લોકો પાસેથી અબજો ડોલરની ચોરી કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કૌભાંડ કેન્દ્રોમાં બળજબરીથી મજૂરી (Forced Labour) કરાવીને કામ લેવામાં આવતું હતું.
ચોરાયેલા નાણાંથી પિકાસોની પેઈન્ટિંગ અને લક્ઝરી લાઈફ
અમેરિકી તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ચેન ઝી લોકોના પરસેવાની કમાણીના નાણાંથી અત્યંત વૈભવી જીવન જીવતો હતો. તેની પાસે ન્યૂ યોર્કમાં પિકાસોની અમૂલ્ય પેઈન્ટિંગ, આધુનિક યાટ્સ, અનેક પ્રાઈવેટ જેટ્સ અને દુર્લભ કલાકૃતિઓનો સંગ્રહ હતો. તેણે વનુઆતુ, સેન્ટ લુસિયા અને સાયપ્રસ જેવા દેશોની નાગરિકતા પણ મેળવી રાખી હતી જેથી તે ગમે ત્યારે છટકી શકે.
દાનની આડમાં છુપાયેલો ચહેરો
કંબોડિયામાં ચેન ઝી એક "આદરણીય પરોપકારી" તરીકેની છબી ધરાવતો હતો. તેણે લાખો ડોલરનું દાન આપીને 'નીક ઓક્ન્હા' (ટાયકૂન) નું બિરુદ મેળવ્યું હતું અને સેંકડો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપતો હતો. જોકે, ચીની મીડિયાએ જાહેર કરેલા તાજેતરના વીડિયોમાં આ 'દાનવીર' સશસ્ત્ર રક્ષકો વચ્ચે બેડીઓ પહેરીને માથું ઝુકાવીને ચાલતો જોવા મળ્યો હતો. કંબોડિયાએ તેની ધરપકડ સાથે જ તેની નાગરિકતા પણ છીનવી લીધી છે.
આ ધરપકડ બાદ હવે સાયબર ક્રાઈમ અને મની લોન્ડરિંગના અનેક મોટા રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
