<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

'પહેલા ગોળી મારીશું, પછી પ્રશ્નો પૂછીશું': ગ્રીનલેન્ડ હડપવાની ટ્રમ્પની ધમકી સામે ડેનમાર્ક લાલચોળ, યુદ્ધના ભણકારા

વેનેઝુએલા બાદ હવે ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર; ડેનમાર્કે સેનાને આપ્યા સીધા આદેશ - "કોઈપણ વિદેશી આક્રમણ સામે પરવાનગી વગર જ ચલાવો ગોળીબાર"

કોપનહેગન (ડેનમાર્ક), તા. ૦૯ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાના આક્રમક નિવેદનો બાદ ડેનમાર્ક અને યુએસ વચ્ચે રાજદ્વારી સંબંધો ચરમસીમાએ પહોંચ્યા છે. ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલયે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર આક્રમણ કરવાનો પ્રયાસ કરશે, તો ડેનિશ સૈનિકોએ વરિષ્ઠ કમાન્ડરોના આદેશની રાહ જોયા વગર જ વળતો પ્રહાર કરવો પડશે.
જૂના નિયમો અને નવી ચેતવણી
ડેનમાર્ક સરકારે ૧૯૫૨ના એક સંરક્ષણ નિયમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આક્રમણની સ્થિતિમાં સૈન્ય દળોએ "પહેલા ગોળીબાર કરવો અને પછી પ્રશ્નો પૂછવા" ના સિદ્ધાંત પર કાર્ય કરવાનું રહેશે. આ નિયમ મુજબ, સૈનિકોએ યુદ્ધની સત્તાવાર જાહેરાતની રાહ જોયા વિના જ કોઈપણ વિદેશી ઘૂસણખોરીનો સામનો કરવાનો રહેશે.
ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પ્લાન શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૯ થી ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં વેનેઝુએલા પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ ટ્રમ્પે ફરી પુનરોચ્ચાર કર્યો છે કે "રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી" અમેરિકાને ગ્રીનલેન્ડની જરૂર છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ ગ્રીનલેન્ડવાસીઓને અમેરિકામાં જોડાવા માટે ૧૦ હજારથી ૧ લાખ ડોલર સુધીની આકર્ષક યોજનાઓ પણ ઓફર કરી રહ્યા હોવાના અહેવાલ છે.
નાટો ગઠબંધન પર જોખમ
ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને ટ્રમ્પને ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડ પર કોઈપણ પ્રકારનો હુમલો એ માત્ર ડેનમાર્ક પર જ નહીં, પરંતુ નાટો (NATO) જોડાણના અંતની શરૂઆત હશે. તેમણે ઉમેર્યું કે ગ્રીનલેન્ડ એ કોઈ ચીજવસ્તુ નથી કે જેનું વેચાણ થઈ શકે. બીજી તરફ, ફ્રાન્સ અને જર્મની જેવા યુરોપિયન દેશોએ પણ ડેનમાર્કની પ્રાદેશિક અખંડિતતાનું સમર્થન કર્યું છે અને ટ્રમ્પના આ વલણને "અવિચારી" ગણાવ્યું છે.
આર્કટિક ક્ષેત્રમાં વધતા જતા રશિયા અને ચીનના પ્રભાવને રોકવા માટે ટ્રમ્પ ગ્રીનલેન્ડને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માની રહ્યા છે, પરંતુ ડેનમાર્કના આકરા વલણે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે.

(5:40 PM IST)