<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર: 'ભારતીય જનતા પાર્ટી'ને ગણાવી 'ભ્રષ્ટ જનતા પાર્ટી', કહ્યું- ડબલ એન્જિન સરકારોએ જનતાનું જીવન તબાહ કર્યું

ઉત્તરાખંડની અંકિતા હત્યાકાંડથી લઈને ગુજરાતના પ્રદૂષિત પાણી સુધીના મુદ્દા ઉઠાવ્યા; વિપક્ષી નેતાનો સનસનીખેજ આરોપ- "મોદીનું ડબલ એન્જિન માત્ર અબજોપતિઓ માટે દોડે છે"

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ભારતીય જનતા પાર્ટી (BJP) પર અત્યાર સુધીનો સૌથી આક્રમક હુમલો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબી પોસ્ટ શેર કરતા તેમણે ભાજપને 'બ્રષ્ટ (ભ્રષ્ટ) જનતા પાર્ટી' તરીકે સંબોધિત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં પણ ભાજપની 'ડબલ એન્જિન' સરકારો છે, ત્યાં ભ્રષ્ટાચાર, સત્તાનો અહંકાર અને કુશાસને સામાન્ય માણસના જીવનને નરક બનાવી દીધું છે.
ઘટનાઓની હારમાળા ટાંકીને કર્યા પ્રહારો
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં દેશના વિવિધ રાજ્યોમાં બનેલી દુખદ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉત્તરાખંડના અંકિતા ભંડારી હત્યાકાંડનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે, "સત્તામાં બેઠેલા લોકો કયા VIP ને બચાવી રહ્યા છે?" આ ઉપરાંત, તેમણે ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસનો હવાલો આપીને ગુનેગારોને મળતા સરકારી સંરક્ષણ સામે સવાલો ઉઠાવ્યા હતા.
ગુજરાત અને હરિયાણામાં દૂષિત પાણીનો મુદ્દો
ખાસ કરીને જનતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલતા તેમણે કહ્યું કે, ઈન્દોરમાં દૂષિત પાણીથી થતા મૃત્યુ હોય કે પછી ગુજરાત, હરિયાણા અને દિલ્હીમાં પ્રદૂષિત પાણીના પુરવઠાની ફરિયાદો - ભાજપ શાસિત રાજ્યોમાં બીમારીનો ભય દરેક જગ્યાએ વ્યાપેલો છે. તેમણે દાવો કર્યો કે વિકાસના નામે માત્ર 'ખંડણીનું રેકેટ' ચાલી રહ્યું છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો આ સિસ્ટમમાં માત્ર એક 'આંકડો' બનીને રહી ગયા છે.
કુદરતી સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દુર્દશા
રાહુલ ગાંધીએ પર્યાવરણના મુદ્દે રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અબજોપતિઓના લોભને સંતોષવા માટે નિયમોને કચડીને પર્વતો અને જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "પુલ તૂટી રહ્યા છે, રસ્તાઓ બેસી રહ્યા છે અને ટ્રેન અકસ્માતોમાં પરિવારો બરબાદ થઈ રહ્યા છે, છતાં સરકાર માત્ર ફોટા પડાવવામાં અને વળતરની ઔપચારિકતા પૂરી કરવામાં જ વ્યસ્ત છે."
તેમણે કફ સિરપથી થતા બાળકોના મોત અને શાળાઓની તૂટતી છતોને ભ્રષ્ટાચારનું સીધું પરિણામ ગણાવ્યું હતું. રાહુલ ગાંધીના આ આક્રમક વલણથી દેશના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે.

(6:54 PM IST)