<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

વિશ્વભરમાં ફેલાયેલા ૩ કરોડ ભારતીયો દેશના સાચા 'બ્રાન્ડ એમ્બેસેડર': પ્રવાસી ભારતીય દિવસે વિદેશ મંત્રાલયે ડાયસ્પોરાને ભારતનો 'જીવંત સેતુ' ગણાવ્યો

૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મહાત્મા ગાંધીના ભારત પરત ફરવાની સ્મૃતિમાં ઉજવાતો ખાસ દિવસ; પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોને ભારતીય સંસ્કૃતિના રાજદૂત કહી નવાજ્યા

નવી દિલ્હી : આજે સમગ્ર વિશ્વમાં 'પ્રવાસી ભારતીય દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) સોશિયલ મીડિયા દ્વારા ભારતીય ડાયસ્પોરા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સાત સમુદ્ર પાર વસેલા ભારતીયો માત્ર વતનથી દૂર નથી, પરંતુ તેઓ ભારત અને બાકીના વિશ્વને જોડતો એક મજબૂત અને 'જીવંત સેતુ' છે.
ઐતિહાસિક મહત્વ: ગાંધીજીનું પુનરાગમન
૯ જાન્યુઆરીનો દિવસ ભારત માટે ઐતિહાસિક રીતે અત્યંત મહત્વનો છે. આ જ દિવસે વર્ષ ૧૯૧૫માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને દેશના સ્વતંત્રતા સંગ્રામની કમાન સંભાળી હતી. આ યાદને તાજી રાખવા અને વિદેશમાં વસતા ભારતીયોના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય મૂલ્યોના વાહક
વિદેશ મંત્રાલયે તેની પોસ્ટમાં હાઇલાઇટ કર્યું છે કે, ભારતીય ડાયસ્પોરાએ વિશ્વના તમામ ખંડોમાં ભારતની પરંપરાઓ, વિચારો અને સંસ્કૃતિને જીવંત રાખી છે. પછી તે દિવાળી-હોળી જેવા તહેવારો હોય, યોગ હોય કે ભારતીય ભોજન – પ્રવાસી ભારતીયોએ વિદેશી ધરતી પર પણ ભારતની સભ્યતા અને સંસ્કારોની સુવાસ ફેલાવી છે.
પીએમ મોદીના શબ્દોમાં ગૌરવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા પ્રવાસી ભારતીયોના સામર્થ્ય પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, ભારતીય ડાયસ્પોરાના દરેક સભ્યો ભારતીય સંસ્કૃતિના રાજદૂત (Ambassadors) છે. તેઓ જે તે દેશમાં રહીને પણ પોતાની માતૃભૂમિની પ્રગતિમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. ભાષાઓ અને સંસ્કૃતિઓના ભેદ છતાં, વિશ્વભરમાં વસેલા ભારતીયો ભારત પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને પ્રેમ દ્વારા દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

(6:55 PM IST)