<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

એલોન મસ્કના AI બોટ પર લાગી લગામ: 'ગ્રોક' દ્વારા અશ્લીલ તસવીરો બનાવવાના વિવાદ બાદ ફ્રી યુઝર્સ માટે ઇમેજ જનરેશન બંધ, હવે માત્ર 'પેઇડ' સભ્યો જ કરી શકશે ઉપયોગ

ગ્રોક AI નો દુરુપયોગ કરી મહિલાઓ અને બાળકોની વાંધાજનક છબીઓ બનાવતા યુરોપિયન દેશો લાલઘુમ; જર્મનીએ તેને ‘જાતીય સતામણીનું ઔદ્યોગિકીકરણ’ ગણાવ્યું

ન્યૂયોર્ક: ટેક જાયન્ટ એલોન મસ્કના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપ 'xAI' એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક મોટો ફેરફાર કર્યો છે. ગ્રોક ચેટબોટ દ્વારા એઆઈની મદદથી વાંધાજનક અને જાતીય છબીઓ બનાવવાની સુવિધાનો વ્યાપક દુરુપયોગ થયા બાદ, હવે ઇમેજ જનરેશન અને એડિટિંગની સુવિધા માત્ર 'પેઇડ' સબ્સ્ક્રાઇબર્સ (પ્રીમિયમ યુઝર્સ) સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે.
શું હતો સમગ્ર વિવાદ?
છેલ્લા કેટલાક દિવસોમાં X પર ગ્રોકનો ઉપયોગ કરીને મહિલાઓ અને બાળકોની અર્ધ-નગ્ન કે વાંધાજનક તસવીરો બનાવવાનો પૂર આવ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, આ ટૂલનો ઉપયોગ સંબંધિત વ્યક્તિઓની સંમતિ વિના તેમના ફોટાને સંપાદિત કરવા માટે કરવામાં આવતો હતો. આ બાબતે વૈશ્વિક સ્તરે હોબાળો મચ્યો હતો અને એઆઈ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
યુરોપિયન દેશો અને બ્રિટનનો આકરો વિરોધ
જર્મનીના મીડિયા મંત્રી વુલ્ફરામ વેઇમરે આ ઘટનાને "જાતીય સતામણીનું ઔદ્યોગિકીકરણ" ગણાવીને કડક ટીકા કરી હતી. યુરોપિયન કમિશને પણ આવી તસવીરોને ગેરકાયદેસર અને ભયાનક ગણાવીને કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. બીજી તરફ, બ્રિટનના ડેટા નિયમનકારે X પાસે ખુલાસો માંગ્યો છે કે તેઓ ડેટા સુરક્ષા કાયદાઓનું પાલન કેવી રીતે કરી રહ્યા છે.
મસ્કનો બચાવ અને નવી સિસ્ટમ
વિવાદ વધતા હવે ગ્રોક પર જ્યારે કોઈ ઇમેજ બનાવવાની વિનંતી કરવામાં આવે છે, ત્યારે તે સ્પષ્ટપણે જણાવે છે કે આ સુવિધા હવે માત્ર ચૂકવણી કરનારા સભ્યો માટે જ ઉપલબ્ધ છે. જોકે, ગ્રોકની સ્ટેન્ડઅલોન એપમાં હજુ પણ સબ્સ્ક્રિપ્શન વિના છબીઓ બનાવી શકાય છે. એલોન મસ્કે અગાઉ ચેતવણી આપી હતી કે ગેરકાયદેસર સામગ્રી બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરનારને ગંભીર પરિણામો ભોગવવા પડશે, પરંતુ ટેક નિષ્ણાતો માને છે કે માત્ર પેઇડ યુઝર્સ સુધી મર્યાદિત કરવાથી દુરુપયોગ સંપૂર્ણપણે અટકશે નહીં.
આ નિર્ણય બાદ એઆઈ ટેકનોલોજી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નૈતિક જવાબદારીઓ અંગે ફરી એકવાર નવી ચર્ચા છેડાઈ છે.

(6:56 PM IST)