હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની ધરપકડથી દેશભરમાં ચકચાર: સોનાની ચોરીના કેસમાં SIT નો સપાટો, ગર્ભગૃહના દાગીના ગાયબ થવાના મામલે થઈ કાર્યવાહી
મુખ્ય પૂજારી કંડારારુ રાજીવારુની કલાકોની પૂછપરછ બાદ ધરપકડ; ગર્ભગૃહના દરવાજાની ફ્રેમ અને સોનાની પ્લેટો બદલવાના કાવતરામાં સંડોવણીની આશંકા

પઠાણમથિટ્ટા: દક્ષિણ ભારતના આસ્થાના કેન્દ્ર સમાન સબરીમાલા મંદિરમાંથી સોનાની ચોરીના મામલે આજે અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. મંદિરના મુખ્ય પૂજારી (તંત્રી) કંડારારુ રાજીવારુની આ કેસના સંદર્ભમાં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પવિત્ર મનાતા આ મંદિરમાંથી કિંમતી સોનાના દાગીના અને સામગ્રી ગાયબ થવાના મામલે કોઈ મુખ્ય પૂજારીની ધરપકડ થઈ હોય તેવી આ સંભવિત પ્રથમ ઘટના છે, જેને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
કાવતરાનો પર્દાફાશ: કેવી રીતે પકડાયા મુખ્ય પૂજારી?
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT દ્વારા આજે વહેલી સવારથી જ રાજીવારુની કોઈ અજ્ઞાત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ કેસમાં અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટી અને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ પદ્મકુમારના નિવેદનો બાદ તપાસની સોય મુખ્ય પૂજારી તરફ ફંટાઈ હતી. બપોરના સમયે તેમની ધરપકડની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
સોનાની પ્લેટો બદલવાની ભલામણ બની ગળે ફાંસો
SIT ના અહેવાલ મુજબ, મુખ્ય પૂજારી રાજીવારુના સંબંધો આરોપી પોટી સાથે અત્યંત ગાઢ હતા. રાજીવારુએ જ મંદિરના 'શ્રીકોવિલ' (ગર્ભગૃહ) ના દરવાજાની ફ્રેમ પરની સોનાની પ્લેટો અને દ્વારપાલક દેવતાઓની પ્લેટો બદલવાની ભલામણ કરી હતી. તપાસનીશ ટીમને આશંકા છે કે આ ફેરફારના બહાને અસલી સોનાની સામગ્રી હટાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે.
શ્રદ્ધાળુઓમાં રોષ અને મંદિર પ્રશાસન પર સવાલો
સબરીમાલા મંદિર જે કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, ત્યાં આ પ્રકારની ઘટના બનતા સમગ્ર કેરળમાં રાજકીય અને ધાર્મિક ગરમાવો આવ્યો છે. દેવસ્વોમ બોર્ડની કામગીરી અને પૂજારીઓની નૈતિકતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. SIT હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ચોરી થયેલું સોનું ક્યાં છુપાવવામાં આવ્યું છે અને આમાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
