<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

બંગાળમાં આરપારની જંગ: EDના દરોડામાં મમતા બેનર્જીની એન્ટ્રીથી હાઈકોર્ટમાં ભારે હંગામો : જજ નારાજ થઈને બેન્ચ છોડી ચાલ્યા ગયા

કોર્ટરૂમમાં વકીલોની ભીડ અને ધક્કામુક્કી વચ્ચે સુનાવણી 14 જાન્યુઆરી સુધી મુલતવી: કેન્દ્રના વકીલનો ફોન હેક થયાનો દાવો

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રણનીતિ સંભાળતી સંસ્થા I-PAC અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાડવામાં આવેલા દરોડાએ નવો વિવાદ છેડ્યો છે. આ દરોડા દરમિયાન ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેના પર EDએ ગંભીર આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રીએ તપાસમાં અવરોધ ઊભો કરીને મહત્વના દસ્તાવેજો અને લેપટોપ બળજબરીથી પોતાની સાથે લઈ ગયા છે. આ મામલો શુક્રવારે કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યો હતો, પરંતુ ત્યાં જે દ્રશ્યો સર્જાયા તેણે ન્યાયતંત્રની ગરિમા પર સવાલો ઉભા કર્યા છે.

જસ્ટિસ શુભ્રા ઘોષની કોર્ટમાં જ્યારે આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી શરૂ થવાની હતી, ત્યારે કોર્ટરૂમમાં વકીલો, ઇન્ટર્ન અને સમર્થકોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. જસ્ટિસ ઘોષે ભીડને વિખેરાઈ જવા માટે પાંચ મિનિટનો સમય આપ્યો હતો, પરંતુ હંગામો અને દલીલો ચાલુ રહેતા તેઓ અત્યંત નારાજ થયા હતા. અંતે, ન્યાયાધીશે "આવી અંધાધૂંધીમાં સુનાવણી શક્ય નથી" તેમ કહીને બેન્ચ છોડી દીધી હતી અને આ મામલાની સુનાવણી હવે 14 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. બીજી તરફ, EDના વકીલ ધીરજ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે સુનાવણી પહેલા તેમનો મોબાઈલ ફોન હેક કરવામાં આવ્યો છે, જેનાથી આ કેસમાં કાવતરાના આક્ષેપો વધુ ઘેરા બન્યા છે.

આ કાયદાકીય લડાઈની સાથે કોલકાતા અને દિલ્હીના રસ્તાઓ પર પણ સંગ્રામ છેડાયો છે. મમતા બેનર્જીએ કોલકાતામાં EDની કાર્યવાહી વિરુદ્ધ વિશાળ વિરોધ કૂચનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે દિલ્હીમાં ગૃહ મંત્રાલયની બહાર પ્રદર્શન કરી રહેલા તૃણમૂલના 8 સાંસદોની પોલીસે અટકાયત કરી હતી. TMCનો આરોપ છે કે ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને તેમની ચૂંટણી વ્યૂહરચના અને ગુપ્ત ડેટા ચોરવા માંગે છે. જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે ભ્રષ્ટાચારની તપાસમાં મુખ્યમંત્રી પોતે અવરોધ બની રહ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહેલા આ 'ડેટા અને દરોડા'ના જંગમાં 14 જાન્યુઆરીએ હાઈકોર્ટ શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

(6:59 PM IST)