<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓને 'વ્યક્તિગત અસંતોષ' કહીને છાવરશો નહીં: ભારતની પડોશી દેશને રોકડું પરખાવતી ચેતવણી

લઘુમતીઓના ઘરો અને વ્યવસાયો પર કટ્ટરપંથીઓના હુમલા ચિંતાજનક; વિદેશ મંત્રાલયે અમેરિકાના ઉર્જા બિલ અને ચીનની લશ્કરી હિલચાલ પર પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો પર વધી રહેલા અત્યાચારો અંગે ભારત સરકારે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવાનો એક "ખલેલ પહોંચાડનારો દાખલો" જોવા મળી રહ્યો છે, જેને રોકવા માટે ત્યાંની વચગાળાની સરકારે તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ.
 ભારતે બાંગ્લાદેશના તે દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે આ હુમલાઓ વ્યક્તિગત અદાવત કે રાજકીય અસંતોષનું પરિણામ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આવા તર્ક આપીને ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેનાથી કટ્ટરપંથીઓને પ્રોત્સાહન મળે છે અને લઘુમતીઓમાં અસુરક્ષાની ભાવના વધે છે. ભારતની માંગ છે કે લઘુમતીઓના જાન-માલ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે બાંગ્લાદેશ પ્રશાસન મજબૂત કાર્યવાહી કરે.
અમેરિકામાં રજૂ કરાયેલા નવા ઉર્જા બિલ અંગે પણ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ બિલ ભારતની ઉર્જા ખરીદીના નિર્ણયોને અસર કરી શકે તેમ છે, જેના જવાબમાં મંત્રાલયે કહ્યું કે ભારતની ઉર્જા નીતિઓ ૧.૪ અબજ ભારતીયોની જરૂરિયાતો અને બજારની ગતિશીલતા પર આધારિત છે. અમેરિકાના ૫૦૦% ટેરિફના સંકેતો વચ્ચે ભારતે સ્પષ્ટ કર્યું કે તે પોતાની ઉર્જા સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં.
 તાઈવાન નજીક ચીનની વધતી લશ્કરી કવાયતો પર પણ ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ભારતના આર્થિક અને દરિયાઈ હિતો જોડાયેલા હોવાથી, ભારતે તમામ પક્ષોને શાંતિ જાળવવા અને બળપ્રયોગ ટાળીને વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવા અપીલ કરી છે. ભારત આ સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

(8:28 PM IST)