<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ઈરાનમાં લોહીયાળ ક્રાંતિની જ્વાળા: અમેરિકામાં વસતી ૩ રાજકુમારીઓએ હચમચાવી ખામેનીની સત્તા, શું ૫૦ વર્ષ પછી પહેલવી શાસન ફરી આવશે?

મોંઘવારી અને મજબૂરી સામે ઈરાની પ્રજાનો જંગ; ૧ ડોલર સામે ૧૪ લાખ રિયાલની કિંમતે જનતાને રસ્તા પર ઉતારી, નૂર, ઈમાન અને ફરાહ પહલવી બન્યા આંદોલનનો નવો ચહેરો

વોશિંગ્ટન : ઈરાન અત્યારે ઈતિહાસના સૌથી મોટા પરિવર્તન બિંદુ પર ઉભું છે. ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિના લગભગ પાંચ દાયકા બાદ, ફરી એકવાર તેહરાનની ગલીઓમાં "પહેલવીઓ પાછા આવશે" ના નારા ગુંજી રહ્યા છે. આ વખતે જંગ માત્ર હિજાબ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તૂટી ગયેલા અર્થતંત્ર અને આસમાને પહોંચેલી મોંઘવારી સામે છે. આ વિરોધ પ્રદર્શનો પાછળ અમેરિકામાં રહેતા ઈરાનના પૂર્વ શાહના પુત્ર રેઝા પહેલવી અને તેમની ત્રણ સુંદર પુત્રીઓ – નૂર, ઈમાન અને ફરાહની મોટી ભૂમિકા માનવામાં આવી રહી છે.
ઈરાની રિયાલની કિંમત એટલી હદે ઘટી ગઈ છે કે ૧ અમેરિકી ડોલર ખરીદવા માટે ૧.૪ મિલિયન રિયાલ ખર્ચવા પડે છે. લોકોના પગાર વધવા છતાં તેઓ દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. પરિણામે, તમામ ૩૧ પ્રાંતોના ૧૦૦ થી વધુ શહેરોમાં લોકો "કરો યા મરો" ના મૂડમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. અત્યાર સુધીની અથડામણોમાં ૫ બાળકો સહિત ૪૨ લોકોના મોત થયા છે અને ૨,૦૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 રેઝા પહેલવીની ત્રણેય પુત્રીઓનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે, જે પશ્ચિમી સંસ્કૃતિ અને આધુનિક વિચારધારાના હિમાયતી છે.
૧. રાજકુમારી નૂર પહલવી: તે સોશિયલ મીડિયા અને પોડકાસ્ટ દ્વારા ઈરાની યુવાનોને લોકશાહી અને સ્ત્રી અધિકારો માટે પ્રેરિત કરી રહી છે. તે અનેક NGO સાથે જોડાઈને ઈરાની મહિલાઓના સંઘર્ષને વૈશ્વિક મંચ પર લાવી રહી છે.
૨. રાજકુમારી ઈમાન પહલવી: તાજેતરમાં તેના લગ્ન યહૂદી અમેરિકન બિઝનેસમેન બ્રેડલી શેરમન સાથે પેરિસમાં થયા હતા, જેના ફોટાએ ઈરાનના કટ્ટરપંથીઓને હચમચાવી દીધા હતા. સફેદ ગાઉનમાં સજ્જ ઈમાન ઈરાનના 'ખુલ્લા અને બિનસાંપ્રદાયિક' ભૂતકાળની યાદ અપાવે છે.
૩. રાજકુમારી ફરાહ: તે પણ વિદેશમાં રહીને ઈરાની સરકારની દમનકારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે.
 રેઝા પહેલવી અને તેમનો પરિવાર નિયમિતપણે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી નેતાઓ સાથે સંપર્કમાં રહે છે. ઈરાની સરકારનો આરોપ છે કે આ પ્રદર્શનો પાછળ અમેરિકા અને ઈઝરાયેલનો હાથ છે. રેઝાએ પોતે અનેકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું તેહરાનના રસ્તાઓ પર લાગેલી આ આગ ઈરાનમાં ધાર્મિક શાસનનો અંત લાવીને ફરીથી રાજશાહી કે લોકશાહીની સ્થાપના કરશે?

(9:12 PM IST)