<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

લખનૌની KGMUમાં 'લવ જેહાદ' પર જંગ: અપર્ણા યાદવના સમર્થકોનો તાંડવ : VCની ઓફિસમાં તોડફોડ

મહિલા ડૉક્ટરના ધર્માંતરણ અને શોષણના કેસમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: વાઈસ ચાન્સેલરના ચેમ્બરમાં કમ્પ્યુટર તોડ્યા અને ફૂલદાનીઓ ફેંકી : યોગી આદિત્યનાથે અપર્ણા યાદવને તેડું મોકલતા યુપીના રાજકારણમાં ગરમાવો

લખનૌ:  ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠિત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. પેથોલોજી વિભાગની એક મહિલા જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરને 'લવ જેહાદ'માં ફસાવી, તેનું શારીરિક શોષણ કરવા અને ઇસ્લામ સ્વીકારવા દબાણ કરવાના ગંભીર આરોપો બાદ મામલો બિચક્યો છે. રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ અપર્ણા યાદવ જ્યારે પીડિતાને ન્યાય અપાવવા અને વાઈસ ચાન્સેલર સોનિયા નિત્યાનંદને મળવા પહોંચ્યા, ત્યારે વહીવટીતંત્રના ઉદાસીન વલણથી મામલો વણસ્યો હતો. અપર્ણા યાદવના સમર્થકોએ આરોપ લગાવ્યો કે VC તેમને મળવા આવ્યા નહોતા, જેના પગલે ગુસ્સે ભરાયેલા ટોળાએ VC ચેમ્બરના દરવાજાના તાળા તોડી નાખ્યા અને અંદર ઘૂસીને કમ્પ્યુટર તથા ઓફિસના સાધનોની તોડફોડ કરી હતી.

આ વિવાદના કેન્દ્રમાં ડૉ. રમીઝુદ્દીન નાયક (ઉર્ફે રમીઝ મલિક) છે, જે આ કેસનો મુખ્ય આરોપી છે અને હાલ ફરાર છે. વિશાખા સમિતિની તપાસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હોવા છતાં, અપર્ણા યાદવનો આરોપ છે કે KGMU વહીવટીતંત્ર આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે સણસણતો સવાલ કર્યો કે, પીડિતાને જ્યારે પૂછવામાં આવે છે કે તે 'મહિલા આયોગમાં કેમ ગઈ?' ત્યારે આ સંસ્થાની મહિલા સુરક્ષા પ્રત્યેની માનસિકતા સ્પષ્ટ થાય છે. કેમ્પસમાં સૂત્રોચ્ચાર અને તોડફોડની ઘટના બાદ ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો, અને KGMU વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓ સામે FIR દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તત્કાલ હસ્તક્ષેપ કર્યો છે અને અપર્ણા યાદવને સમન્સ પાઠવી બોલાવ્યા છે. અપર્ણા યાદવે અગાઉ પણ આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે, "લવ જેહાદ કરનારાઓને ધૂળમાં મિલાવી દેવામાં આવશે." બીજી તરફ, KGMU ના પ્રવક્તાએ આ હુમલાને કાયદો-વ્યવસ્થાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ મામલો હવે માત્ર મેડિકલ યુનિવર્સિટી પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ધર્માંતરણ, સંસ્થાકીય ભ્રષ્ટાચાર અને મહિલાઓની સુરક્ષા જેવા ગંભીર સામાજિક-રાજકીય મુદ્દાઓ પર આવીને અટક્યો છે. આગામી દિવસોમાં યોગી સરકાર આ મામલે કેવા આકરા પગલાં લે છે તેના પર સૌની નજર છે.

(10:25 PM IST)