<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

અંકિતા ભંડારી કેસમાં ધામી સરકારનો મોટો નિર્ણય: રહસ્યમય 'VVIP' નો પર્દાફાશ કરવા હવે મેદાનમાં આવશે CBI

માતા-પિતાની ભાવુક વિનંતી અને સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયો ક્લિપ્સ બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત: આજીવન કેદની સજા છતાં 'વિશેષ સેવા' માંગનાર વીવીઆઈપી કોણ? સત્ય બહાર લાવવા કેન્દ્રીય એજન્સી સંભાળશે તપાસનો દોર

દેહરાદૂન:  ઉત્તરાખંડના સૌથી ચકચારી અંકિતા ભંડારી હત્યા કેસમાં આખરે બે વર્ષ બાદ રાજ્ય સરકારે નમતું જોખ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે સમગ્ર કેસની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવામાં આવશે. અંકિતાના માતા-પિતા સાથેની હૃદયસ્પર્શી મુલાકાત બાદ ધામીએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી એસઆઈટી ની તપાસ અને કોર્ટ દ્વારા આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હોવા છતાં, અંકિતાના પરિવાર અને પ્રજાના મનમાં એક જ સવાલ સળગી રહ્યો હતો કે - તે રહસ્યમય "VVIP" કોણ છે જેને 'વિશેષ સેવા' આપવા માટે અંકિતા પર દબાણ કરવામાં આવ્યું હતું?

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અંકિતા માત્ર રાજ્યની દીકરી નથી, તે મારી પણ બહેન છે. તેના પરિવારને પૂરેપૂરો સંતોષ થાય તે સરકારની જવાબદારી છે." ઉલ્લેખનીય છે કે, રિસોર્ટમાં કામ કરતી 19 વર્ષની અંકિતાની હત્યા બાદ સતત આક્ષેપો થઈ રહ્યા હતા કે કોઈ પ્રભાવશાળી રાજનેતા કે ઉદ્યોગપતિને બચાવવા માટે પુરાવાઓ સાથે ચેડા કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક શંકાસ્પદ ઓડિયો ક્લિપ્સે આ શંકાઓને વધુ બળ આપ્યું હતું, જેમાં અંકિતાના કથિત શોષણ અને વીવીઆઈપી ગેસ્ટનો ઉલ્લેખ હતો.

સરકારના આ નિર્ણયથી દેવભૂમિમાં ચાલી રહેલા લાંબા વિરોધ પ્રદર્શનો પર વિરામ આવવાની આશા છે. જોકે, વિપક્ષોનું કહેવું છે કે આ ભલામણ કરવામાં ખૂબ જ વિલંબ થયો છે, કારણ કે અત્યાર સુધીમાં રિસોર્ટ પર બુલડોઝર ફેરવીને ઘણા પુરાવા નાશ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, CBI તપાસની મંજૂરી મળ્યા બાદ હવે એ જોવાનું રહેશે કે કેન્દ્રીય એજન્સી એ વગદાર વ્યક્તિનું નામ જાહેર કરવામાં સફળ રહે છે કે જેના ડરથી અત્યાર સુધીનું તંત્ર મૌન સેવી રહ્યું હતું. આ કેસ માત્ર એક હત્યાનો નથી, પરંતુ પહાડની દીકરીઓના આત્મસન્માન અને સિસ્ટમમાં બેઠેલા શક્તિશાળી લોકો સામેની લડાઈનો પ્રતીક બની ગયો છે.

(10:26 PM IST)