હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો દાવો - ઈરાનના બીજા નંબરના સૌથી મોટા શહેર મશહદ પર દેખાવકારોનો કબ્જો: ઈરાન સળગે છે: મોંઘવારી સામેના વિદ્રોહમાં ૬૨ ના મોત, ૧૦૦ શહેરોમાં પ્રચંડ આક્રોશ
ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: મશહદ શહેર પર પ્રદર્શનકારીઓનો કબ્જો: ૬૨ લોકોના મોત અને ૨,૨૭૦ થી વધુની ધરપકડ: ખામેનેઈની ચેતવણી: વિદેશી એજન્ટો દેશને બરબાદ કરી રહ્યા છે: પ્રિન્સ રઝા પહેલવીની અપીલ અને ઈન્ટરનેટ બ્લેકઆઉટ: વિદ્રોહનું મુખ્ય કારણ: કમર તોડતી મોંઘવારી અને આર્થિક બદહાલી

ઈરાનમાં મોંઘવારી, બેરોજગારી અને ટેક્સ વધારા સામે શરૂ થયેલું આંદોલન હવે ઉગ્ર વિદ્રોહમાં ફેરવાયું છે. છેલ્લા ૧૩ દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો ૧૦૦ થી વધુ શહેરોમાં ફેલાઈ ચૂક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનનું બીજું સૌથી મોટું શહેર મશહદ હવે સરકારના હાથમાંથી નીકળી ગયું છે અને ત્યાં પ્રદર્શનકારીઓનો કબ્જો છે. બીજી તરફ સુપ્રીમ લીડર ખામેનેઈએ આને વિદેશી કાવતરું ગણાવી કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. દેશમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવી છે.
ઈરાનમાં આર્થિક સંકટ અને મોંઘવારી સામે સામાન્ય જનતાનો રોષ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે અને સ્થિતિ ગૃહયુદ્ધ જેવી બની રહી છે. મળતી સત્તાવાર વિગતો અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાનની તાજેતરની સ્થિતિ નીચે મુજબ છે:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરીને દાવો કર્યો છે કે ઈરાનના સુરક્ષા દળોએ મશહદ શહેર છોડી દીધું છે અને હવે આ શહેર પર પ્રદર્શનકારીઓનું નિયંત્રણ છે. મશહદ એ ઈરાનનું બીજું સૌથી મોટું અને ધાર્મિક શહેર છે, જેની વસ્તી અંદાજે ૪૦ લાખ છે. અહીં શિયા મુસ્લિમોનું મોટું તીર્થસ્થળ 'ઈમામ રઝા' ની દરગાહ આવેલી છે. જોકે, આ દાવાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં લોકો રસ્તા પર ઉતરીને સરકાર વિરોધી નારા લગાવતા જોવા મળે છે.
અમેરિકન હ્યુમન રાઈટ્સ એજન્સી અને સીએનએન ના અહેવાલ મુજબ, અત્યાર સુધીના હિંસક પ્રદર્શનોમાં કુલ ૬૨ લોકોના મોત થયા છે. જેમાં એક પોલીસ અધિકારીની પણ ચાકુ મારીને અને બીજા અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધીમાં ૨,૨૭૦ થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. ઈરાનના ચીફ જસ્ટિસ ઘોલામહોસેન મોહસેની-એજેઈએ જાહેરાત કરી છે કે પકડાયેલા લોકો સામે કોઈ રહેમ રાખવામાં આવશે નહીં અને કડકમાં કડક સજા કરવામાં આવશે.
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે, "ઈસ્લામિક રિપબ્લિક હજારો શહીદોના લોહીથી સિંચાયેલું છે અને તે કોઈના દબાણમાં ઝુકશે નહીં." તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રદર્શનો પાછળ 'વિદેશી એજન્ટો' અને 'ભાડાના માણસો' નો હાથ છે જેઓ અમેરિકા અને ઈઝરાયેલને ખુશ કરવા માટે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર વિદ્રોહીઓ સામે પીછેહઠ કરશે નહીં.
૧૯૭૯ ની ક્રાંતિ બાદ સત્તા ગુમાવનાર શાહના પુત્ર અને અમેરિકામાં નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીએ ઈરાની જનતાને રસ્તા પર ઉતરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે "આ આઝાદીની છેલ્લી લડાઈ છે". આ અપીલ બાદ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. સરકારે સ્થિતિ કાબુમાં લેવા માટે તેહરાન સહિત દેશભરમાં ઈન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દીધી છે. તેહરાન એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું હોવાના અહેવાલો છે. જોકે, કેટલાક લોકો એલન મસ્કની 'સ્ટારલિંક' સેટેલાઇટ સર્વિસ દ્વારા વિડીયો બહાર મોકલી રહ્યા છે.
આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ ઈરાનની કથળેલી અર્થવ્યવસ્થા છે:
કરન્સીનું ધોવાણ: ડિસેમ્બર ૨૦૨૫ માં ઈરાની કરન્સી 'રિયાલ' ગગડીને ૧.૪૫ મિલિયન પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગઈ છે.
ભાવવધારો: ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ૭૨% અને દવાઓના ભાવમાં ૫૦% નો તોતિંગ વધારો થયો છે.
ટેક્સનો બોજ: વર્ષ ૨૦૨૬ ના બજેટમાં સરકારે ટેક્સમાં ૬૨% નો વધારો પ્રસ્તાવિત કરતા સામાન્ય જનતા અને ખાસ કરીને યુવા વર્ગ (જેન-ઝી) રસ્તા પર ઉતરી આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
