હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોલસા કૌભાંડના રૂ. ૨૦ કરોડ 'હવાલા' મારફતે પહોંચ્યા ગોવા: ED ના દરોડામાં I-PAC અને મમતા બેનર્જીની સંડોવણીના સનસનીખેજ આરોપ
કોલકાતાથી ગોવા સુધી નાણાંની હેરફેરનું 'નેટવર્ક' પકડાયું; ED નો દાવો - મમતા બેનર્જીએ દરોડા દરમિયાન દરમિયાનગીરી કરી પુરાવા છીનવવાનો પ્રયાસ કર્યો

કોલકાતા : પશ્ચિમ બંગાળના બહુચર્ચિત કોલસા કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજકીય વ્યૂહરચનાકાર કંપની I-PAC પર ગાળિયો કસ્યો છે. 'News18' ના એક્સક્લુઝિવ રિપોર્ટ મુજબ, તપાસમાં બહાર આવ્યું છે કે કોલસા કૌભાંડમાંથી મેળવેલા આશરે ૨૦ કરોડ રૂપિયાનો ઉપયોગ ગોવાની વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. આ નાણાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય હવાલા રૂટ દ્વારા એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાના મજબૂત પુરાવા EDને મળ્યા છે.
વોટ્સએપ ચેટ અને હવાલાનું જાળું
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલસા સિન્ડિકેટના મુખ્ય આરોપી અનુપ માજીના એકાઉન્ટન્ટની વોટ્સએપ ચેટ પરથી આ સમગ્ર ખેલનો પર્દાફાશ થયો છે. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ થયેલી એક ચેટમાં કોલકાતાથી ગોવામાં ૨૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો ઉલ્લેખ મળ્યો હતો. આ નાણાં 'આર કાંતિલાલ' નામની હવાલા પેઢી દ્વારા મોકલવામાં આવ્યા હતા. તપાસમાં અક્ષય કુમાર, પંકજ મલિક અને જિતેન્દ્ર મહેતા જેવા અનેક કડીઓની ઓળખ થઈ છે, જેમણે I-PAC માટે ગોવામાં આ નાણાંની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી.
દરોડા દરમિયાન હાઈ-વોલ્ટેજ ડ્રામા
ગુરુવારે જ્યારે EDની ટીમ I-PAC ના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને અને ઓફિસ પર દરોડા પાડી રહી હતી, ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ત્યાં પહોંચી ગયા હતા. EDએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ દરોડામાં અવરોધ ઉભો કર્યો અને કેટલાક મહત્વના પુરાવાઓ પણ છીનવી લીધા હતા. EDએ આ મામલે હવે CBI તપાસની માંગ કરી છે.
TMC નો વળતો પ્રહાર: "ડેટા ચોરીનો પ્રયાસ"
બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે (TMC) પણ હાઈકોર્ટમાં ધા નાખી છે. પાર્ટીનો આરોપ છે કે ED તપાસના બહાને તેમનો ગોપનીય રાજકીય ડેટા, ચૂંટણી વ્યૂહરચના અને મતદાર યાદીનું મેનેજમેન્ટ જપ્ત કરી રહી છે. TMC મુજબ, આ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષને ફાયદો કરાવવા માટે "સત્તાનો દુરુપયોગ" છે. પાર્ટીએ જપ્ત કરાયેલા દસ્તાવેજોના પ્રસાર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
હાલમાં કોલકાતા હાઈકોર્ટમાં ભારે ભીડને કારણે સુનાવણી મુલતવી રાખવામાં આવી છે અને હવે આ મામલે બુધવારે વધુ સુનાવણી હાથ ધરાશે. કોલસાથી લઈને ગોવાની ચૂંટણી સુધી ફેલાયેલું આ નેટવર્ક બંગાળના રાજકારણમાં નવો ભૂકંપ લાવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
