<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરારની તૈયારી: પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વર્ષમાં ૮ વખત વાતચીત, નવા વેપાર સોદા માટે બંને દેશો કટિબદ્ધ

વિદેશ મંત્રાલયે આપ્યા મોટા સંકેત- 'પરસ્પર ફાયદાકારક વેપાર કરાર માટે ભારત આતુર'; બે દિગ્ગજ લોકશાહી દેશો વચ્ચેની ભાગીદારી હવે નવા શિખરો સર કરશે

નવી દિલ્હી : વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં ભારત અને અમેરિકાની જોડી હવે એક નવી તાકાત બનીને ઉભરી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement) પર અંતિમ મહોર મારવા માટે મજબૂત રીતે આગળ વધી રહ્યા છે. બંને દેશો એક એવા કરાર પર પહોંચવા માંગે છે જે બંને અર્થતંત્રો માટે પૂરક અને સંતુલિત સાબિત થાય.
મોદી-ટ્રમ્પ મિત્રતાની નવી ઊંચાઈ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કુલ ૮ વખત ફોન પર સીધી વાતચીત થઈ છે. આ વાટાઘાટોમાં માત્ર વેપાર જ નહીં પરંતુ સંરક્ષણ, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારીના અનેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
વાટાઘાટોનો દોર અંતિમ તબક્કામાં?
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધી બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ ચૂકી છે. ભારત અત્યારે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને અમેરિકા વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ છે. આ સંજોગોમાં, જો બંને દેશો વચ્ચે વેપાર કરાર સફળ થાય છે, તો તેનાથી ભારતીય નિકાસકારો અને ટેકનોલોજી ક્ષેત્રને મોટો ફાયદો થવાની અપેક્ષા છે.
જયસ્વાલે ઉમેર્યું કે ભારત આ સોદો વહેલી તકે પૂર્ણ કરવા માટે આતુર છે કારણ કે તેનાથી બંને દેશોના બજારો એકબીજા માટે વધુ સુલભ બનશે. આવનારા દિવસોમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની મુલાકાતો બાદ આ કરારની સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેવી રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા છે.

(9:58 PM IST)