<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સમુદ્રમાં ટ્રમ્પની 'ગર્જના': યુએસ નેવીએ વધુ એક ઓઇલ ટેન્કર ઝડપ્યું : વેનેઝુએલાના 'ઘોસ્ટ ફ્લીટ' પર તવાઈ

સતત ત્રીજા દિવસે કેરેબિયન સાગરમાં યુએસ મરીન્સનું મધરાતે ઓપરેશન: 'ઓલિના' ટેન્કર જપ્ત થતા માદુરો સરકારના તેલના કાળાબજારને મોટો ફટકો

વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સમુદ્રી સીમાઓ પર પોતાની પકડ મજબૂત કરતા એટલાન્ટિક અને કેરેબિયન સમુદ્રમાં રશિયા અને વેનેઝુએલાના તેલ વિતરણ નેટવર્કને છિન્નભિન્ન કરી દીધું છે. યુએસ સધર્ન કમાન્ડે શુક્રવારે વહેલી સવારે એક ઓપરેશન પાર પાડીને 'ઓલિના' (Olina) નામના પાંચમાં ઓઇલ ટેન્કરને જપ્ત કર્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશથી અમેરિકી નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જવાનોએ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ટેન્કરને ચારેબાજુથી ઘેરી લીધું હતું. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા પરથી દૂર કર્યા બાદ અમેરિકાએ તેલના ગેરકાયદેસર વેપાર પર સંપૂર્ણ કાપ મૂકવા માટે આ 'પ્રેશર કેમ્પેઈન' શરૂ કર્યું છે, જેનાથી રશિયા અને વેનેઝુએલા વચ્ચેના આર્થિક સંબંધોની કમર તૂટી ગઈ છે.

યુએસ સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ક્રિસ્ટી નોએમે આ ઓપરેશનની સફળતા પર મોટું નિવેદન આપતા જણાવ્યું કે, "દુનિયાના ગુનેગારો માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે તેમને છુપાવવા માટે હવે સમુદ્રમાં કોઈ જગ્યા નથી." તેમણે આ ટેન્કરને 'ઘોસ્ટ ફ્લીટ' (રહસ્યમય જહાજોનો કાફલો)નો હિસ્સો ગણાવ્યો હતો, જે અમેરિકી પ્રતિબંધોથી બચવા માટે નામ અને ઓળખ બદલીને તેલની હેરાફેરી કરતું હતું. અગાઉ 'મરીનેરા' અને 'એમ/ટી સોફિયા' જેવા ટેન્કરો પણ અમેરિકી કબ્જામાં આવી ચૂક્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય માદક દ્રવ્યો અને આતંકવાદને મળતા તેલના ભંડોળને કાયમ માટે બંધ કરવાનો છે, જેના કારણે દક્ષિણ અમેરિકામાં રાજકીય અસ્થિરતાનો અંત આવી શકે.

આ દરિયાઈ જંગમાં ભારત માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. જપ્ત કરાયેલા રશિયન ટેન્કર 'મરીનેરા' અને 'એમ/ટી સોફિયા'માં કુલ 6 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોવાની પુષ્ટિ થઈ છે. રશિયન પરિવહન મંત્રાલયે અમેરિકાની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવી છે અને ભારતીય નાગરિકોની મુક્તિ માટે વોશિંગ્ટન પર દબાણ બનાવ્યું છે. ટ્રમ્પના આ આક્રમક વલણથી એક તરફ રશિયા અને અમેરિકા વચ્ચે રાજદ્વારી યુદ્ધ તેજ બન્યું છે, તો બીજી તરફ તેલના વૈશ્વિક ભાવ પર પણ આ 'સમુદ્રી હડતાલ'ની ગંભીર અસર પડવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે રશિયન પ્રમુખ પુતિન આ જપ્તીનો વળતો જવાબ કેવી રીતે આપે છે.

(10:22 PM IST)